ચેતેશ્વર પુજારાની ક્રિકેટ-કરીઅરની પ્રશંસા કરીને નરેન્દ્ર મોદીએ લેટરમાં લખ્યું...
ચેતેશ્વર પુજારા
રાજકોટમાં જન્મેલા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના રિટાયરમેન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પત્ર લખીને તેની પ્રશંસા કરી છે. ૩૭ વર્ષના પુજારાએ આ લેટરનાં બે પેજ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કરીને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
નરેન્દ્ર મોદીએ લેટરમાં લખ્યું હતું કે ‘શૉર્ટ ફૉર્મેટ ક્રિકેટના પ્રભુત્વવાળા યુગમાં તું લૉન્ગ ફૉર્મેટની સુંદરતાની યાદ અપાવતો હતો. તારો અડગ સ્વભાવ અને લાંબા સમય સુધી એકાગ્રતા સાથે બૅટિંગ કરવાની ક્ષમતાથી તું ભારતીય બૅટિંગ-ઑર્ડરનો આધારસ્તંભ બન્યો. તારી શાનદાર ક્રિકેટ-કરીઅર નોંધપાત્ર કૌશલ્ય અને દૃઢ નિશ્ચયની ક્ષણોથી ભરેલી રહી છે, ખાસ કરીને વિદેશમાં પડકારજનક પરિસ્થિતિઓમાં. રમત પ્રત્યેનો તારો જુસ્સો એ હકીકતમાં પણ પ્રતિબિંબિત થાય છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટર હોવા છતાં તું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાને મહત્ત્વપૂર્ણ માનતો હતો, પછી ભલે એ સૌરાષ્ટ્ર માટે હોય કે વિદેશમાં. સૌરાષ્ટ્ર ક્રિકેટ સાથેનું તારું લાંબું જોડાણ અને રાજકોટને ક્રિકેટના નકશા પર લાવવામાં તારું યોગદાન સ્થાનિક યુવાનો માટે અપાર ગર્વનો સ્રોત રહેશે.’


