ટેસ્ટ મૅચોમાં બૅટિંગના પરંપરાગત સ્વરૂપ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મને હજી પણ લાગે છે કે વર્તમાન યુગમાં પણ પરંપરાગત ટેસ્ટ-પ્લેયર્સ માટે અવકાશ છે
ચેતેશ્વર પુજારા
રાજકોટના ભૂતપૂર્વ ભારતીય બૅટર ચેતેશ્વર પુજારાએ પોતાના ભવિષ્ય વિશે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘હું ચોક્કસપણે કૉમેન્ટેટર તરીકે આનંદ માણી રહ્યો છું એટલે હું એ ચાલુ રાખીશ. જ્યારે કોચિંગ અથવા સેન્ટર ઑફ એક્સલન્સમાં કોઈ પણ કાર્યની વાત આવે છે ત્યારે હું એના માટે ઓપન છું. હું રમત સાથે સંકળાયેલો રહેવા માગું છું. એથી ભારતીય ક્રિકેટમાં ગમે એ રીતે યોગદાન આપી શકું તો મને એ કરવામાં ખુશી થશે.’
ટેસ્ટ મૅચોમાં બૅટિંગના પરંપરાગત સ્વરૂપ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મને હજી પણ લાગે છે કે વર્તમાન યુગમાં પણ પરંપરાગત ટેસ્ટ-પ્લેયર્સ માટે અવકાશ છે, પરંતુ સમય બદલાઈ ગયો છે, સમય સાથે આગળ વધવું પડશે. હું ચોક્કસપણે કહીશ કે રમતનાં ત્રણેય ફૉર્મેટ રમવાં જોઈએ, કારણ કે હવે આપણે વધુ વાઇટ-બૉલ ક્રિકેટ રમાતી જોઈ રહ્યા છીએ, પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે IPL જેવી ટુર્નામેન્ટ સહિત રણજી ટ્રોફીનું મહત્ત્વ પણ એટલું જ છે. અભિમન્યુ ઈશ્વરન અને કરુણ નાયર ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને જ ટીમમાં આવ્યા છે.’


