મોહસિન નકવી કહે છે, ‘અમે વિશ્વ કક્ષાના સ્તરે ટુર્નામેન્ટનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવીએ દુબઈ સ્ટેડિયમની જનરલ ગૅલરીમાં બેસીને ફૅન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચૅરમૅન મોહસિન નકવીએ ફરી એક વાર ટીમ ઇન્ડિયાએ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવા માટે ઇન્કાર કર્યો એ વિશે નિરાશા વ્યક્ત કરી છે. સુરક્ષાનાં કારણસર ભારતીય પ્લેયર્સ દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની પોતાની મૅચ રમી રહ્યા છે.
દુબઈમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવા પહોંચેલા મોહસિન નકવી કહે છે, ‘અમે વિશ્વ કક્ષાના સ્તરે ટુર્નામેન્ટનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એ નિરાશાજનક છે કે ભારત પાકિસ્તાનમાં રમી રહ્યું નથી. તેમણે ફક્ત PCBને જ નહીં, પરંતુ વિશ્વભરના ક્રિકેટ- ફૅન્સ, ICC, વ્યાપારી ભાગીદારો અને અન્ય ભાગ લેનારા દેશોને નિરાશ કર્યા છે. અમારી ટીમ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૨૩માં ભારતમાં રમવા ગઈ હતી. અમને આશા હતી કે ભારત પણ ચૅમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન આવશે, પરંતુ એવું થયું નહીં. અમે દરેક પ્રકારની ખાતરી આપી હતી એમ છતાં, ભારતે અહીં ન રમવાનો નિર્ણય લીધો. ભારતીય પ્લેયર્સ પાકિસ્તાનની મુલાકાત લેતી ટીમોને હંમેશાં મળતી હૂંફ, પ્રેમ અને આતિથ્યથી વંચિત રહ્યા છે. પાકિસ્તાને હંમેશાં રમતગમતને રાજકારણથી અલગ રાખ્યું છે.’


