દુબઈમાં વિમેન્સ એશિયા કપ દરમ્યાન નશરા સંધુ અને સદાફ શમાસ સહિત પાકિસ્તાની મહિલા ક્રિકેટરો વિરાટ કોહલીના one8 બ્રૅન્ડનાં શૂઝ પહેરેલી જોવા મળી હતી, જેના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ હતી.
વિરાટ કોહલીના શૂઝ
દુબઈમાં વિમેન્સ એશિયા કપ દરમ્યાન ઘણી પાકિસ્તાની મહિલા ક્રિકેટરો વિરાટ કોહલીના one8 બ્રૅન્ડનાં શૂઝ પહેરેલી જોવા મળી હતી, જેમાં નશરા સંધુ અને સદાફ શમાસનો સમાવેશ થાય છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક યુઝરે લખ્યું, ‘શું વિરાટ કોહલીનાં જૂતાં પાકિસ્તાનમાં પણ વેચાઈ રહ્યાં છે?’ વિરાટ કોહલીના one8 બ્રૅન્ડનાં શૂઝ જૂન મહિનામાં લૉન્ચ કરવામાં આવ્યાં છે.
ભારતીય વિમેન્સ ટીમે જપાનને ૦-૭થી અને મેન્સ ટીમે કોરિયાને ૩-૭થી કચડ્યું
ADVERTISEMENT
ચીનમાં આયોજિત જુનિયર હૉકી એશિયા કપ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું છે. ગઈ કાલે ભારતની વિમેન્સ ટીમે જપાન સામે ૭-૦થી જીત નોંધાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી છે. અગાઉ સાઉથ કોરિયા સામે ૪-૧ અને મલેશિયા સામે ૧૧-૧થી જીત મેળવનાર ભારતીય ટીમ આજે યજમાન ચીનનો સામનો કરશે.
ભારતની મેન્સ ટીમે ગઈ કાલે સાઉથ કોરિયા સામે ૭-૩થી જીત નોંધાવીને ૧૦ ટીમોમાં ટૉપ-ફોરનું સ્થાન મજબૂત કર્યું છે. ભારતની ટીમ આજે ચાઇનીઝ તાઇપેઇ સામે ટકરાશે. મેન્સ ટીમે ઇન્ડોનેશિયા સામે ૧૪-૦થી જીત મેળવ્યા પછી જપાન સામે ૩-૩થી ડ્રૉ મૅચ રમી હતી.
વિશ્વનાથન આનંદ ટાઇમ-આઉટને કારણે વિશ્વના નંબર વન મૅગ્નસ કાર્લસન સામે હાર્યો
બૅન્ગલોરમાં આયોજિત ટેક મહિન્દ્ર ગ્લોબલ ચેસ લીગ 2026માં એક રોમાંચક મૅચ જોવા મળી હતી. સામાન્ય રીતે મેન્ટરની ભૂમિકામાં જોવા મળતો અને હાલમાં FIDEના કાર્યકારી પ્રમુખનું પદ સંભાળતો ૫૬ વર્ષનો વિશ્વનાથન આનંદ વિશ્વના નંબર વન ખેલાડી એવા ૩૫ વર્ષના નૉર્વેના મૅગ્નસ કાર્લસન સામે રમ્યો હતો.
ટીમ આધારિત આ ગ્લોબલ ચેસ લીગમાં બન્ને ખેલાડીઓ સમયમયાર્દાવાળી ગેમ રમી રહ્યા હતા. વિશ્વનાથન આનંદ પોતાના આ જૂના હરીફ સામે ડ્રૉ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે એક સમયે પોતાની એક ચાલ ચાલ્યા પછી ક્લૉક બંધ કરવાનું ભૂલી ગયો અને તેનો ટાઇમ-આઉટ થતાં મૅગ્નસ કાર્લસનને જીત મળી હતી.
એશિયન ગેમ્સમાં બ્લુ કિટને પહેલી પ્રાથમિકતા આપશે ભારતીય હૉકી ટીમ
ભારતની વિમેન્સ સિનિયર હૉકી ટીમ એશિયન ગેમ્સ માટે જપાન ઊપડી હતી.
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતની સિનિયર મેન્સ અને વિમેન્સ હૉકી ટીમની કિટને લઈને મોટી અપડેટ સામે આવી છે. વર્લ્ડ કપમાં રેગ્યુલર બ્લુ કિટને બદલે કેસરિયા ડ્રેસ સાથે ઊતરવાના હૉકી ઇન્ડિયાના નિર્ણય પર ઘણો વિવાદ થયો હતો.
હૉકી ઇન્ડિયાના ખજાનચી શેખર મનોહર કહે છે, ‘અમે વાદળી રંગને ટોચની પ્રાથમિકતા તરીકે સૂચિબદ્ધ કર્યો છે જ્યારે કેસરિયા રંગની કિટને બીજા સ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.’
આજે સાઉથ આફ્રિકા અને નામિબિયા વન-ડે ફૉર્મેટમાં પહેલી વખત ટકરાશે
આજે યજમાન નામિબિયા અને મહેમાન ટીમ સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. ૧૩ સપ્ટેમ્બર સુધી રમાનારી આ સિરીઝમાં સાઉથ આફ્રિકા યંગ ટીમ સાથે જ રમશે. આ ટીમે હાલમાં નામિબિયા અને ઝિમ્બાબ્વે સામેની T20 ત્રિકોણીય સિરીઝ પણ જીતી છે.
નામિબિયા અને સાઉથ આફ્રિકા પહેલી વખત વન-ડે ફૉર્મેટની મૅચ રમશે. બન્ને ટીમ માત્ર T20 ફૉર્મેટમાં ત્રણ વખત સામસામે રમ્યાં છે, જેમાંથી પહેલી બે મૅચ નામિબિયાએ જીતી હતી અને અંતિમ મૅચમાં સાઉથ આફ્રિકા વિજેતા બન્યું હતું.
