દિલ્હી કૅપિટલ્સ પહેલાં તેણે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ આવી કમાલ કરી હતી.
૧૦ દિવસમાં ૪ સદી ફટકારનાર પ્લેયર્સની ટીમ હારી છે
૧૬થી ૨૫ એપ્રિલ દરમ્યાન IPL 2026માં સદી ફટકારનાર ૪ પ્લેયર્સની ટીમને હાર મળી છે. ક્વિન્ટન ડી કૉક, સાઈ સુદર્શન, કે. એલ. રાહુલ અને વૈભવ સૂર્યવંશીએ ફટકારેલી સદી એળે ગઈ હતી, કારણ કે હરીફ ટીમે તેમની સામે જીત મેળવી હતી. IPLમાં હારેલી મૅચમાં સદી ફટકારનાર પ્લેયર્સની સંખ્યા શનિવારે ૩૧ થઈ હતી. એક સીઝનમાં હાઇએસ્ટ ૪ આવી સદી અગાઉ ૨૦૨૩ અને ૨૦૨૪માં જોવા મળી હતી. કે. એલ. રાહુલે IPLની હારેલી મૅચમાં ત્રણ વખત સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી છે. કે. એલ. રાહુલનો ૧૫૨ રનનો સ્કોર T20 મૅચમાં હારેલી ટીમના બૅટર દ્વારા ફટકારેલી સૌથી મોટી ઇનિંગ્સ હતી. અગાઉ ૨૦૧૫માં ક્રિસ ગેઇલે T20 બ્લાસ્ટમાં કૅન્ટ ટીમ સામે ૧૫૧ રન ઝૂડ્યા હતા, પણ તેની ટીમ સમરસેટને હાર મળી હતી.
IPLમાં ત્રણ ટીમ માટે બે સદી ફટકારનારો કે. એલ. રાહુલ પહેલવહેલો ખેલાડી બન્યો છે. દિલ્હી કૅપિટલ્સ પહેલાં તેણે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ આવી કમાલ કરી હતી.
ચાર વખત બદલાયા ઑરેન્જ કૅપ હોલ્ડર
ADVERTISEMENT
IPL 2026ની ઑરેન્જ કૅપ શનિવારે ચાર જુદા-જુદા પ્લેયર્સ પાસે જોવા મળી હતી. દિવસની શરૂઆતમાં બૅન્ગલોરના વિરાટ કોહલી (૩૨૮ રન) પાસે આ ઑરેન્જ કૅપ હતી. બપોરની મૅચ બાદ કે. એલ. રાહુલ (૩૫૭ રન) ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો હતો. જયપુરમાં પહેલા દાવમાં ૩૬ બૉલમાં સદી ફટકાર્યા બાદ રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી (૩૫૭ રન)એ ઑરેન્જ કૅપ પોતાના નામે કરી હતી. જોકે સફળ રન-ચેઝ બાદ બીજા દાવના અંતે હૈદરાબાદનો અભિષેક શર્મા (૩૮૦ રન) સીઝનના હાઇએસ્ટ રન-સ્કોરર સાથે ઑરેન્જ કૅપનો હકદાર બન્યો હતો.
