ઉત્તર પ્રદેશના ૩૬ વર્ષના લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ ગઈ કાલે એક ઇમોશનલ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે લખ્યું કે ‘મેદાન પર બે દાયકાથી વધુ સમય વિતાવ્યા પછી આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે
પીયૂષ ચાવલા
ઉત્તર પ્રદેશના ૩૬ વર્ષના લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ ગઈ કાલે એક ઇમોશનલ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે લખ્યું કે ‘મેદાન પર બે દાયકાથી વધુ સમય વિતાવ્યા પછી આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. હવે હું આ સુંદર રમતની ભાવના અને પાઠ સાથે નવી સફર શરૂ કરવા માટે આતુર છું. ઉચ્ચ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને ૨૦૦૭નો T20 વર્લ્ડ કપ અને ૨૦૧૧નો ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ બનવા સુધીની સફર મારા માટે એક આશીર્વાદથી ઓછી રહી નથી. આ યાદો હંમેશાં મારા હૃદયમાં રહેશે.’
ડિસેમ્બર ૨૦૧૨થી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી ન કરી શકનાર પીયૂષ ચાવલા છેલ્લાં કેટલાંક વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટ રમીને IPL જેવી ટુર્નામેન્ટમાં કૉમેન્ટરી કરી રહ્યો છે. તેણે નવી સફરની શરૂઆતનો ઉલ્લેખ કર્યો, પરંતુ એના વિશે કોઈ વિગતો આપી નહીં. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૯૨ મૅચમાં ૧૯૨ વિકેટ લેનાર પીયૂષ ચાવલાએ IPLને કરીઅરનું ખાસ પ્રકરણ ગણાવ્યું.

