રિચા ઘોષના સન્માન સમારોહમાં શનિવારે મમતાએ કહ્યું હતું કે...
ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ-સિરીઝની ફ્રીડમ ટ્રોફીની પ્રતિકૃતિ સૌરવ ગાંગુલીએ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને ગિફ્ટ કરી હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જાહેરમાં સૌરવ ગાંગુલીને ICC પ્રેસિડન્ટ બનવા માટે સમર્થન આપ્યું છે. રિચા ઘોષના સન્માન સમારોહમાં શનિવારે મમતાએ કહ્યું હતું કે ‘અમે હંમેશાં ઇચ્છતાં હતાં કે ગાંગુલી લાંબા સમય સુધી ભારતનો કૅપ્ટન રહે. મારે એક બીજી વાત કહેવી જોઈએ; જો હું આ કહું તો ગાંગુલીને ખરાબ લાગશે, પરંતુ હું થોડી સ્પષ્ટવક્તા છું અને હંમેશાં અપ્રિય સત્ય કહું છું; હું તેને ક્યારેય બદલી શકી નથી.’
મમતા બૅનરજીએ વધુમાં કહ્યું હતું કે ‘આજે ICC પ્રમુખ કોણ હોવું જોઈએ? સૌરવ ગાંગુલી સિવાય બીજું કોઈ નહીં. મને વિશ્વાસ છે કે તે એક દિવસ બનશે. તેને રોકવો એટલો સરળ નથી.’ ઑક્ટોબર ૨૦૨૨માં જ્યારે ગાંગુલીનો ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો ત્યારે મમતા બૅનરજીએ ICC પ્રેસિડન્ટની ચૂંટણી લડવા માટે ગાંગુલીને જોરદાર ટેકો આપ્યો હતો. ICC પ્રમુખપદ હાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ પાસે છે.


