સૌરવ ગાંગુલીને દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ ‘ડિરેક્ટર ઑફ ક્રિકેટ’નો હોદ્દો આપ્યો છે.

રિષભ પંત ફાઇલ તસવીર
પંતની ગેરહાજરીમાં વૉર્નર દિલ્હીનો કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન
૩૧ માર્ચે શરૂ થનારી મેન્સ આઇપીએલમાં રિષભ પંત કાર-અકસ્માતને કારણે નહીં રમે અને તેના સ્થાને દિલ્હી કૅપિટલ્સનું સુકાન ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને સોંપવામાં આવ્યું છે. અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન નીમવામાં આવ્યો છે. વૉર્નરને બીજી વાર દિલ્હીની ટીમનું નેતૃત્વ મળી રહ્યું છે. અગાઉ થોડા મહિના માટે તેને કૅપ્ટન્સી મળી હતી. સૌરવ ગાંગુલીને દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ ‘ડિરેક્ટર ઑફ ક્રિકેટ’નો હોદ્દો આપ્યો છે.
અમ્પાયર અલીમ દર આઇસીસીની એલીટ પૅનલમાંથી નીકળી ગયા
પાકિસ્તાનના અમ્પાયર અલીમ દરે ઇન્ટરનૅશનલ અમ્પાયર્સ માટેની આઇસીસીની એલીટ પૅનલમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ૧૯ વર્ષથી આ પૅનલમાં હતા અને વિક્રમજનક ૪૩૫ મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું.
ગેઇલે વર્લ્ડ જાયન્ટ્સને ભજ્જીની ટીમ સામે અપાવ્યો વિજય
કતારમાં બુધવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) માસ્ટર્સ ટી૨૦ ટુર્નામેન્ટમાં ક્રિસ ગેઇલ (૫૭ રન, ૪૬ બૉલ, એક સિક્સર, નવ ફોર) અને શેન વૉટ્સન (૨૬ રન, ૧૬ બૉલ, પાંચ ફોર) વચ્ચેની ૫૧ રનની ભાગીદારી અને બ્રેટ લીની ત્રણ વિકેટના તરખાટની મદદથી હરભજન સિંહના સુકાનમાં રમનાર ઇન્ડિયા મહારાજાઝ ટીમને ત્રણ વિકેટે હરાવી હતી. ગંભીરની ગેરહાજરીમાં ભજ્જીએ સુકાન સંભાળ્યું હતું અને ઇન્ડિયા મહારાજાઝ ટીમે સુરેશ રૈના (૪૯ રન, ૪૧ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), મનવિન્દર બિસ્લા (૩૬ રન, ૩૪ બૉલ, ચાર ફોર) અને ઇરફાન પઠાણ (પચીસ રન, ૨૦ બૉલ, બે સિક્સર, એક ફોર)ની ઇનિંગ્સની મદદથી ૯ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. વર્લ્ડ જાયન્ટ્સે ૧૮.૪ ઓવરમાં ૭ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.