અમ્પાયરની ભૂલથી વન-ડેમાં બોલરે નાખી ૧૧ ઓવર અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
ટીમ ઇન્ડિયાની નવી સ્પૉન્સર બની ડ્રીમ૧૧
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યું છે ત્યારે ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે નવા લીડ સ્પૉન્સરની ઘોષણા કરી છે. ઍડ-ટેક પ્લૅટફૉર્મ બાયજુની જગ્યાએ ફૅન્ટસી ગેમિંગ પ્લૅટફૉર્મ ડ્રીમ૧૧ નવી સ્પૉન્સર બની છે. સ્પૉન્સરશિપ માટે કેટલી રકમ આપવામાં આવી છે એ વિશે હજી સ્પષ્ટતા નથી, પરંતુ અગાઉની ડિલ કરતાં ઓછી રકમ છે. આ કૉન્ટ્રૅક્ટ ત્રણ વર્ષ માટે છે. નાણાકીય વર્ષ બાદ બાયજુ સ્પૉન્સરશિપમાંથી હટી જતાં ક્રિકેટ બોર્ડે આ માટે નવી બિડ મગાવી હતી. ૯૦ના દાયકામાં વિલ્સ અને આઇટીસી ભારતીય ક્રિકેટ ટીમની જર્સીની સ્પૉન્સર હતી.
ADVERTISEMENT
અમ્પાયરની ભૂલથી વન-ડેમાં બોલરે નાખી ૧૧ ઓવર
શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મૅચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. દરમ્યાન મૅચમાં અમ્પાયરે એક ભૂલ કરી હતી. આ સિરીઝની બીજી મૅચ ગોલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને ૧૧૬ રનથી હરાવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. મૅચમાં જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમ બોલિંગ કરી રહી હતી ત્યારે એની બોલર એડેન કારસને ૧૦ને બદલે ૧૧ ઓવર નાખી હતી. તેણે ૧૧ ઓવરમાં ૪૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. મૅચ રેફરીએ પણ ધ્યાન આપ્યું નહોતું. ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન સોફી ડિવાઇને ટોસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૭ વિકેટે ૩૨૯ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ૨૧૩ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
નૉર્થ અને સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની સેમીમાં
નૉર્થ ઝોને પોતાનો દબદબો કાયમ રાખતાં નૉર્થ ઈસ્ટ ઝોનને ૫૧૧ રનથી હરાવીને દુલીપ ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. વિજય માટે ૬૬૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સમગ્ર નૉર્થ ઈસ્ટ ઝોનની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૫૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. સેમી ફાઇનલમાં નૉર્થની ટક્કર સાઉથ ઝોન સામે થશે. અન્ય એક મૅચમાં સૌરભ કુમારની આઠ વિકેટને કારણે સેન્ટ્રલ ઝોને ઈસ્ટ ઝોનને ૧૭૦ રનથી હરાવી હતી. બીજી ઇનિંગ્સમાં ૬૯ રનમાં ૬ વિકેટથી રમવાનું શરૂ કરનાર ઈસ્ટ ઝોનની ટીમ ૧૨૯ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. સેમી ફાઇનલમાં સેન્ટ્રલ ઝોનની ટક્કર વેસ્ટ ઝોન સામે થશે.
પાંચ ભારતીય બૉક્સરો જીત્યા બ્રૉન્ઝ મેડલ
કઝાકિસ્તાનમાં રમાયેલી એલોરડા કપ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતનાં વિજય કુમાર, સુષ્મા, કેશમ સંજીત સિંહ, નીમા અને સુમિતે પોત-પોતાની કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. આમ ભારતે આ સ્પર્ધામાં કુલ પાંચ મેડલ જીત્યા હતા. શાનદાર પ્રદર્શન કરનાર વિજય કુમારે ૬૦ કિલોગ્રામની કૅટેગરીમાં કઝાકિસ્તાનના બૅકનુર ઓઝોનોવ સામે ૧-૪થી હારી જતાં બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ૮૧ કિલોની કૅટેગરીમાં સુષ્માએ ૨૦૨૩ વર્લ્ડ ચૅમ્પિયનશિપની બ્રૉન્ઝ મેડલ વિજેતા કઝાકિસ્તાનની ફારિઝા શોલ્ત સામે સારી ટક્કર આપી હતી, છતાં સર્વસંમતિથી ૦-૫થી હારી ગઈ હતી.
ભારત લેબૅનને ૪-૨થી હરાવીને સાફ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું
સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ-સાફ)ની ચૅમ્પિયન-શિપની ભારત અને લેબૅનન વચ્ચેની સેમી ફાઇનલમાં મૅચમાં બન્ને ટીમ ગોલ કરી ન શકતાં આખરે નિર્ણય શૂટઆઉટ પર ઠેલાયો હતો, જેમાં ભારતે લેબૅનનને ૪-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ ભારતે ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપની ફાઇનલ મૅચમાં લબૅનનને હરાવ્યું હતું. અન્ય એક મૅચમાં કુવૈતે બંગલાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ફુટબૉલ ટીમના કૅપ્ટન સુનીલ છેત્રીના શાનદાર દેખાવને કારણે ભારત આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચમાં હાર્યું નથી. ભારતીય ફુટબૉલ ટીમે ગ્રુપ લેવલની મૅચમાં પાકિસ્તાનને ૪-૦થી, નેપાલને ૨-૦થી હરાવ્યું હતું. ભારત અને કુવૈત વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. ફાઇનલ મૅચ ચોથી જુલાઈએ યોજાશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી ૮ વખત ચૅમ્પિયન બન્યું છે.


