ઇન્સ્ટાગ્રામ પર ટેનિસ લેજન્ડ્સ રાફેલ નડાલ તથા રૉજર ફેડરર, મોટરસ્પોર્ટ્સ રેસિંગ ડ્રાઇવર મૅક્સ વર્સ્ટાપન તેમ જ ફુટબોલર અર્લિંગ હાલૅન્ડ જેવા જાગતિક સ્ટાર્સ કરતાં પણ હાર્દિકના ફૉલોઅર્સ વધુ છે.

હાર્દિક પંડ્યા
ઇન્સ્ટાગ્રામ પર ૨.૫ કરોડ ફૉલોઅર્સ : હાર્દિક યંગેસ્ટ ક્રિકેટર
ફાસ્ટ-બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ પર ૨.૫ કરોડ ફૉલોઅર્સ ધરાવનાર સૌથી યુવાન ક્રિકેટર બન્યો છે. ખૂબીની વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર ટેનિસ લેજન્ડ્સ રાફેલ નડાલ તથા રૉજર ફેડરર, મોટરસ્પોર્ટ્સ રેસિંગ ડ્રાઇવર મૅક્સ વર્સ્ટાપન તેમ જ ફુટબોલર અર્લિંગ હાલૅન્ડ જેવા જાગતિક સ્ટાર્સ કરતાં પણ હાર્દિકના ફૉલોઅર્સ વધુ છે. ઘેર-ઘેર જાણીતા હાર્દિકે સોશ્યલ મીડિયા પરના કરોડો ફૉલોઅર્સનો આભાર માનતાં લખ્યું છે, ‘પ્રેમ વ્યક્ત કરવા તેમ જ મને કરીઅરમાં શરૂઆતથી સપોર્ટ આપવા બદલ હું તમામ ચાહકોનો આભાર માનું છું. મારા માટે પ્રત્યેક ફૅન સ્પેશ્યલ છે.’
શાકિબે બંગલાદેશને આશ્વાસન જીત અપાવી
બંગલાદેશ સામેની વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડે પહેલી બન્ને મૅચ અનુક્રમે ત્રણ વિકેટ અને ૧૩૨ રનથી જીતી લીધા બાદ સોમવારે છેલ્લી વન-ડે બંગલાદેશે ૫૦ રનથી જીતી લઈને ઇંગ્લૅન્ડની ક્લીન-સ્વીપ રોકી હતી. તમીમ ઇકબાલના સુકાન હેઠળની બંગલાદેશની ટીમમાં શાકિબ-અલ-હસને સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું હતું. તેણે ૭૧ બૉલમાં ૭૫ રન બનાવી બંગલાદેશને ૨૪૬ રનનો સ્કોર અપાવ્યો હતો અને પછી ૩૫ રનમાં ચાર વિકેટ પણ લીધી હતી. જૉસ બટલરની ટીમમાંથી એકેય બૅટરની હાફ સેન્ચુરી નહોતી થઈ. જેમ્સ વિન્સના ૩૮ રન ટીમમાં હાઇએસ્ટ હતા.
નેપાલની વર્લ્ડ કપ માટેની આશા જીવંત
દુબઈમાં સોમવારે નેપાલ સામે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)નો ઓડીઆઇ વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચમાં ૪૨ રનથી પરાજય થતાં યુએઈએ વિશ્વકપમાં સીધો પ્રવેશ મેળવવાની તક ગુમાવી દીધી છે, જ્યારે નેપાલે આશા જીવંત રાખી છે. નેપાલે ૮ વિકેટે ૨૨૯ રન બનાવ્યા બાદ યુએઈની ટીમ ૧૮૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
નવી મુંબઈમાં વર્ષા પહેલાં લૅનિંગનો ચોક્કા-છગ્ગાનો વરસાદ
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે વરસાદને લીધે ડબ્લ્યુપીએલની મૅચમાં વિઘ્ન આવ્યું એ પહેલાં યુપી વૉરિયર્ઝ સામે દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન મેગ લૅનિંગે ત્રણ સિક્સર અને દસ ફોરની મદદથી ૪૨ બૉલમાં ૭૦ રન બનાવ્યા હતા. તેણે શેફાલી (૧૭ રન) સાથે ૬૭ રનની ભાગીદારી કરી હતી. તસવીર અતુલ કાંબળે
‘મિડ-ડે કપ’ની ચૅમ્પિયન હાલાઈ લોહાણા ટીમનું હાલાઈ લોહાણા સમાજ દ્વારા ખાસ સન્માન
‘મિડ-ડે કપ’ ત્રીજી વાર જીતનાર હાલાઈ લોહાણા ટીમનું હાલાઈ લોહાણા સમાજ દ્વારા રવિવારે એક કાર્યક્રમમાં ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેમને ‘મિડ-ડે કપ’માં મળેલા ૧,૧૧,૧૧૧ રૂપિયામાં બીજા ૧,૧૧,૧૧૧ રૂપિયા ઉમેરીને આપવામાં આવ્યા હતા અને તમામ ૨૦ ખેલાડીઓના સ્ક્વૉડ, મેન્ટર, કોચ બધા માટે સમાજ દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. એ વખતે લોહાણા સમાજના અગ્રણીઓ અને કેઈએસના અગ્રણી સતીશ દત્તાણીએ ખાસ હાજરી આપી હતી.