વેસ્ટ ઇન્ડીઝની ડૉટિનનું મેડિકલ ક્લિયરન્સ ન મળતાં ગુજરાત જાયન્ટ્સે ટીમમાંથી પડતી મૂકી
વેસ્ટ ઇન્ડીઝની બિગ-હિટિંગ બૅટર ડીએન્ડ્રા ડૉટિન
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં શનિવારે ગુજરાત જાયન્ટ્સ સૌપ્રથમ મૅચ રમે એ પહેલાં જ એણે જાહેર કર્યું કે અમારે ઑક્શનમાં મેળવેલી વેસ્ટ ઇન્ડીઝની બિગ-હિટિંગ બૅટર ડીએન્ડ્રા ડૉટિનને ટીમની બહાર કરવી પડી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની એ મૅચ પહેલાં ગુજરાત જાયન્ટ્સે જણાવ્યું કે તેઓ ઑલરાઉન્ડર ડૉટિનનું મેડિકલ ક્લિયરન્સ સમયસર ન મેળવી શકતાં ડૉટિનને ટીમની બહાર કરવી પડી છે અને તેના સ્થાને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કિમ ગર્થને બોલાવવામાં આવી છે.
ડૉટિન નવેમ્બર ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયાની બિગ બૅશમાં સુપરસ્ટાર બની હતી. તે ઍડીલેડ સ્ટ્રાઇકર્સ વતી રમી હતી અને ફાઇનલમાં તેના અણનમ બાવન રન અને બે વિકેટની મદદથી જ સ્ટ્રાઇકર્સે સિડની સિક્સર્સને ૧૦ રનથી હરાવી હતી અને ડૉટિન પ્લેયર ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ જીતી હતી. બિગ બૅશની એ સીઝનમાં તે કુલ ૩૬૨ રન સાથે પાંચમા સ્થાને હતી. તેણે ટુર્નામેન્ટમાં ૧૪ વિકેટ પણ લીધી હતી. જોકે ગઈ કાલે તેને ટીમની બહાર કરતી વખતે ગુજરાત જાયન્ટ્સે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ‘ડીએન્ડ્રા વર્લ્ડ-ક્લાસ પ્લેયર છે અને તેને સાઇન કરતી વખતે અમને ઘણો આનંદ થયો હતો. કમનસીબે, અમને ડેડલાઇન પહેલાં તેનું મેડિકલ ક્લિયરન્સ ન મળતાં અમારે તેને આ સીઝન માટે ટીમની બહાર કરવી પડી છે. આવું ક્લિયરન્સ તમામ પ્લેયરે ડેડલાઇન પહેલાં આપી દેવું પડતું હોય છે. આશા રાખીએ તે આગામી સીઝનમાં અમારી ટીમ સાથે જોડાશે.’
ADVERTISEMENT
60
ગુજરાત જાયન્ટ્સે ડૉટિનને ઑક્શનમાં આટલા લાખ રૂપિયામાં મેળવી હતી. ૫૦ લાખ રૂપિયા તેની બેઝ પ્રાઇસ હતી.

