૭૫ રનમાં ૬ વિકેટ ગુમાવતાં કિવી ટીમનો સ્કોર ૩૦૭ રન પર અટક્યો, બીજા દિવસે ૩૧ રનમાં બે વિકેટ ગુમાવનાર ઝિમ્બાબ્વે ૧૨૭ રન પાછળ
પહેલા દિવસની રમતમાં કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૩૯ રનમાં ૬ વિકેટ લઈને મચાવ્યો હતો તરખાટ.
ઝિમ્બાબ્વે સામેની બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચની બે દિવસની રમતમાં કિવી ટીમે પોતાની પકડ મજબૂત કરી છે. ઝિમ્બાબ્વેએ બૅટિંગ પસંદ કરીને પહેલા દિવસે ૬૦.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૯૬.૧ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૩૦૭ રન કર્યા હતા. બીજા દિવસના અંતે યજમાન ટીમે ૧૩ ઓવરમાં ૩૧ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. મહેમાન ટીમ પાસે હજી ૧૨૭ રનની લીડ બચી છે. કિવી બોલર્સના તરખાટ વચ્ચે મૅચનું રિઝલ્ટ આજે જ આવી શકે છે.
૧૨ ફોર ફટકારનાર ઓપનર ડેવોન કૉન્વે (૧૭૦ બૉલમાં ૮૮ રન) અને ડૅરિલ મિચલ (૧૧૯ બૉલમાં ૮૦ રન)ની ઇનિંગ્સના આધારે કિવી ટીમે ૩૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો હતો. આ ઑલરાઉન્ડરે પાંચ ફોર અને એક સિક્સર ફટકારી હતી. કિવી બોલિંગ ઑલરાઉન્ડર નૅથન સ્મિથ (૭૯ બૉલમાં ૨૨ રન) ઇન્જરીને કારણે રિટાયર્ડ આઉટ થયો હતો. ઝિમ્બાબ્વે માટે ફાસ્ટ બોલર મુઝરબાની બ્લેસિંગ (૭૩ રનમાં ત્રણ વિકેટ)એ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. કિવી ટીમના મિડલ ઑર્ડરે ૭૫ રનમાં ૬ વિકેટ ગુમાવતાં સ્કોર ૩૦૭ રન સુધી સીમિત રહ્યો હતો.
ADVERTISEMENT
પહેલા દિવસની રમતમાં કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૧૫.૩ ઓવરમાં ૩૯ રન આપીને ૬ વિકેટ લીધી હતી, જે ઝિમ્બાબ્વેમાં ન્યુ ઝીલૅન્ડના બોલરનું અત્યાર સુધીનું એક ટેસ્ટ-ઇનિંગ્સનું બેસ્ટ પ્રદર્શન હતું. બીજા દિવસે બીજી ઇનિંગ્સમાં મૅટ હેન્રીએ (૧૧ રનમાં એક વિકેટ) સાથી ફાસ્ટ બોલર વિલિયમ ઓરોર્કે (૧૮ રનમાં એક વિકેટ) સાથે બૅક-ટુ-બૅક ઓવરમાં યજમાન ટીમના બન્ને ઓપનર્સની વિકેટ લીધી હતી.


