સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવીને નંબર વનનું સ્થાન મજબૂત કર્યું
સાઉથ આફ્રિકાની વિકેટ પડતાં જીત સેલિબ્રેટ કરી રહેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ.
ગઈ કાલે ત્રિકોણીય T20 સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે ન્યુ ઝીલૅન્ડે ૭ વિકેટે જીત મેળવી હતી. હરારેમાં સાઉથ આફ્રિકાને ૮ વિકેટે ૧૩૪ રનના સ્કોર પર અટકાવ્યા બાદ કિવી ટીમે ૧૫.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૩૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બાકીના બૉલના મામલે ન્યુ ઝીલૅન્ડની સાઉથ આફિકા સામેની પચીસ બૉલની આ સૌથી મોટી જીત હતી.
વર્તમાન ત્રિકોણીય T20 સિરીઝમાં કિવીઓની આ સળંગ ત્રીજી જીત હતી. ૨૬ જુલાઈની આફ્રિકન ટીમસામેની ફાઇનલ પહેલાં કિવી ટીમ ઝિમ્બાબ્વે સામે ૨૪ જુલાઈએ સિરીઝની અંતિમ મૅચ પણ રમશે. પૉઇન્ટ્સ ટેબલમાં ૬ પૉઇન્ટ સાથે કિવી ટીમ પહેલા ક્રમે છે.
ADVERTISEMENT
ઓપનર રીઝા હેન્ડ્રિક્સ (૩૭ બૉલમાં ૪૧ રન)ની ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ માંડ-માંડ ૧૩૪ રનનો સ્કોર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર્સ જેકબ ડફી (૩૩ રનમાં બે વિકેટ) અને ઍડમ મિલને (૨૧ રનમાં બે વિકેટ) સહિત સ્પિનર મિચલ સૅન્ટનરે (૨૬ રનમાં બે વિકેટ) શાનદાર પ્રદર્શન કર્યું હતું. કિવી ટીમના ઓપનર ટિમ સૅફર્ટે (૪૮ બૉલમાં ૬૬ રન) અણનમ ઇનિંગ્સ રમી સફળ જીત અપાવી હતી. ૬ ફોર અને બે સિક્સ ફટકારનાર આ વિકેટકીપર-બૅટર પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.


