નેપાલે બીજી મૅચમાં કૅરિબિયનોને ૧૭૪ રનનો ટાર્ગેટ આપીને ૮૩ રનમાં ઑલઆઉટ કરી દીધા : વેસ્ટ ઇન્ડીઝે જોકે ત્રીજી મૅચ જીતીને લાજ બચાવી
નેપાલના આસિફ શેખે બીજી મૅચમાં શાનદાર ૬૮ રન ફટકાર્યા હતા
પહેલી વાર એક ફુલ મેમ્બર દેશને હરાવીને ઇતિહાસ રચ્યા બાદ નેપાલે વેસ્ટ ઇન્ડીઝને બીજી T20 મૅચમાં પણ પરાસ્ત કરીને T20 સિરીઝ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
સોમવારે રમાયેલી મૅચમાં નેપાલે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ રન કર્યા પછી વેસ્ટ ઇન્ડીઝને માત્ર ૮૩ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. આમ ત્રણ મૅચની T20 સિરીઝમાં નેપાલે ૨-૦ની લીડ મેળવી લીધી હતી. જોકે ગઈ કાલે રમાયેલી ત્રીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે નેપાલને સજ્જડ પરાજય આપીને ક્લીન સ્વીપ ટાળી હતી. નેપાલ પહેલાં બૅટિંગ કરીને ૧૯.૫ ઓવરમાં ૧૨૨ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે માત્ર ૧૨.૨ ઓવરમાં વિના વિકેટે ૧૨૩ રન કરી લીધા હતા.


