તેમની ટીમ અંતિમ બૉલે એક વિકેટે જીતી એને પગલે ચાહકો મેદાનમાં ધસી ગયા
સ્કૉટલૅન્ડ vs નેપાલ
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂમાં સોમવારે સ્કૉટલૅન્ડ સામે નેપાલે અંતિમ બૉલે એક વિકેટે રોમાંચક જીત મેળવી હતી. સાત વિકેટ ગુમાવીને સ્કૉટલૅન્ડે ૨૯૬ રન બનાવ્યા હતા. નેપાલે નવ વિકેટ ગુમાવીને પોતાનો હાઇએસ્ટ ૨૯૭ રનનો વન-ડે ટાર્ગેટ ચેઝ કરીને જીત નોંધાવી હતી. અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી સાત રન નેપાલના પૂંછડિયા બૅટર્સે બનાવ્યા હતા. બન્ને ટીમ વચ્ચેની આ ૫૯૩ રનની હાઇએસ્ટ વન-ડે મૅચ પણ બની હતી.
અંતિમ બૉલે જીત માટે જ્યારે નેપાલને એક રનની જરૂર હતી ત્યારે છેલ્લો બૉલ લેગ સાઇડ પર વાઇડ જાહેર થયો હતો. ડ્રામાથી ભરપૂર આ મૅચમાં જીત થતાં જ સ્કૉટલૅન્ડના મેદાન પર નેપાલી ફૅન્સ પોતાના પ્લેયર્સ સાથે ઉજવણી કરવા દોડી આવ્યા હતા. સુરક્ષા-કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં આવેલા આ ફૅન્સને રોકી શક્યા નહોતા. ક્રિકેટના મેદાન પર ૮૦ના દાયકામાં આવી જ ઘટનાઓ બનતી હતી.


