આવતી કાલે રમાનારી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલ મૅચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ થયું છે. ફાઇનલ મૅચને લઈને ગુજરાત ક્રિકેટ અસોસિએશને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પહેલી વાર ડિજિટલી સ્માર્ટ સ્ટેડિયમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બ્યન્યું ડિજિટલી સ્માર્ટ સ્ટેડિયમ
ફાઇનલ મૅચ જોવા આવતા પ્રેક્ષકો એન્ટ્રી લેતી વખતે ડિજિટલ સ્ક્રીન પરથી લાઇવ મૅચ જોઈ શકશે : પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મળશે બપોરે ૩.૩૦ વાગ્યાથી એન્ટ્રી : ૨૦૨૩ પછી ટૂંકા ગાળામાં ફરી એક વાર વર્લ્ડ કપ ફાઇનલ માટે સજ્જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉનાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે વિશેષ વ્યવસ્થા: ૬ બેડની બે કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે : સ્ટેડિયમમાં રખાશે મિનરલ વૉટરનાં ૩૦ કાઉન્ટર : ૬ સેમી-ICU સહિતની ઍમ્બ્યુલન્સ રખાશે તહેનાત
આવતી કાલે રમાનારી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ થયું છે. ફાઇનલ મૅચને લઈને ગુજરાત ક્રિકેટ અસોસિએશને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પહેલી વાર ડિજિટલી સ્માર્ટ સ્ટેડિયમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફાઇનલ મૅચ જોવા આવતા પ્રેક્ષકો સ્ટેડિયમમાં એન્ટ્રી લેતી વખતે રૅમ્પ પરથી લાઇવ મૅચ જોઈ શકે એ માટે મુખ્ય પૅવિલિયનથી લઈને દરેક એન્ટ્રી-ગેટ પર ડિજિટલ સ્ક્રીન મૂકવામાં આવી છે.
૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલની મૅચ બાદ ટૂંકા ગાળામાં ફરી એક વાર T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ યોજવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ થયું છે. એની વાત કરતાં ગુજરાત ક્રિકેટ અસોસિએસનના સેક્રેટરી અનિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી વાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ડિજિટલી સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં પૅવિલિયનના મુખ્ય ગેટ તેમ જ અન્ય એન્ટ્રી-ગેટના રૅમ્પ પર ડિજિટલ સ્ક્રીન મૂકવામાં આવી રહી છે જેથી પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર આવતાં-આવતાં લાઇવ મૅચ જોઈ શકશે. અહીં સ્કોર પણ ડિસ્પ્લે થશે. આ ઉપરાંત આ વર્લ્ડ કપની જુદી-જુદી સ્લાઇડ્સ પણ બતાવાશે. જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન થયા પછી અમદાવાદમાં પહેલી વાર ICCની ફાઇનલ ઇવેન્ટ થશે એટલે ભવ્ય સેરેમની થશે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ક્રિકેટ અસોસિએશન દ્વારા પાંચ ફાઇનલ્સ મૅચનું આયોજન થયું છે. ૨૦૨૩ની વર્લ્ડ કપની ફાઇનલ મૅચ તેમ જ ૩ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફાઇનલ મૅચનું આયોજન કર્યું છે અને હવે T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચની યજમાની કરવાની તક મળી છે.’
અનિલ પટેલે કહ્યું હતું કે ‘છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનું વાતાવરણ રહ્યું છે અને ઉનાળો શરૂ થયો છે એટલે સ્ટેડિયમની ફરતે મિનરલ વૉટરનાં ૩૦ કાઉન્ટર રખાશે જ્યાંથી પ્રેક્ષકોને વિનામૂલ્યે મિનરલ વૉટર મળશે. ૬ બેડની બે કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં ડૉક્ટર સહિતનો સ્ટાફ હશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ૬ મેડિકલ કિઓસ્ક રાખવામાં આવશે જેમાં એક ડૉક્ટર અને તેમના અસિસ્ટન્ટ હશે. અહીંથી મેડિસિન તેમ જ ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન (ORS)નાં પૅકેટ પણ મળશે. સ્ટેડિયમમાં ૬ સેમી-ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) ઍમ્બ્યુલન્સ તહેનાત રખાશે. આ ઉપરાંત ૧૦૮ની ઍમ્બ્યુલન્સ પણ તહેનાત રાખવામાં આવશે.’
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી દિલધડક સેમી-ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને ૭ રનથી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, મુંબઈ સહિત દેશભરમાંથી અને વિદેશમાં રહેતા ભારતીય ક્રિકેટપ્રેમીઓ પણ ફાઇનલ મૅચ જોવા માટે અમદાવાદમાં ધસારો કરશે. એના પગલે સ્ટેડિયમમાં બપોરે ૩.૩૦ વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે.
