ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રેવિસ હેડને એક શૉર્ટ બૉલ ડાબા ગ્લવ પર લાગતાં તે ઇન્જર્ડ થયો હતો

માર્નસ લબુશેન
વર્લ્ડ કપની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક ટીમ એક બૅલૅન્સ અને સંપૂર્ણ ફિટ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતારવા માટે મથી રહી છે. એકાદ મહત્ત્વના ખેલાડીની ઈજાને લીધે આખી ટીમ વિખેરાઈ જાય છે.
ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રેવિસ હેડને એક શૉર્ટ બૉલ ડાબા ગ્લવ પર લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને છેલ્લી અને પાંચમી વન-ડે નહોતો રમી શક્યો. તેની ઇન્જરી ગંભીર નહોતી અને કોઈ સર્જરીની જરૂર નહોતી પડી, પણ ટીમ મૅનેજમેન્ટને લાગે છે કે ટીમમાં તેને જાળવી રાખવો એ મોટું જોખમ બની શકે છે. ટીમના કોચ ઍન્ડ્યુ મૅક્ડોનલ્ડે પણ કન્ફર્મ કર્યું હતું કે વર્લ્ડ કપના પ્રથમ હાફમાં તે નહીં રમી શકે એ નિશ્ચિત છે. એટલે હવે અમારે નિર્ણય લેવાનો છે કે તેને ૧૫ સભ્યોની ટીમમાં જાળવી રાખવો કે નહીં.
હેડની ઇન્જરીને લીધે માર્નસ લબુશેન માટે ટીમના દરવાજા ફરી ખૂલી ગયા છે. વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ન થતાં નિરાશ થયા વિના લબુશેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સ સાથે ટૉપ સ્કોરર બની સિલેક્ટરને ટીમમાં સામેલ કરવા મજબૂર કરી દીધા છે.
અનફિટ નૉર્કિયા-મગાલા અનિશ્ચિત
સાઉથ આફ્રિકા પેસ બોલર્સ ઍન્રિચ નૉર્કિયા અને સિસાન્દા મગાલાની ફિટનેસને લઈને ચિંતામાં છે. આ બન્ને ખેલાડીઓ આગામી વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ છે, પણ ફિટનેસને લીધે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની તેઓ એક જ મૅચ રમી શક્યા હતા. સાઉથ આફિકન ટીમ ૨૩ સપ્ટેમ્બરે ભારત માટે રવાના થશે અને એ પહેલાં આ બન્ને પેસ બોલર વિશે આખરી નિર્ણય લેવાશે.