મેસી આર્જેન્ટિના માટે રમવા ગયો અને ઇન્ટર માયામીને કમ્પાનાએ બે ગોલ કરીને અપાવી જીત
શનિવારે ફ્લૉરિડામાં ગોલ કરીને સાથીઓ ભેગો સેલિબ્રેશન કરવા જઈ રહેલો કમ્પાના (ડાબે) અને તેમને જોતો રહી ગયેલો સ્પોર્ટિંગ કૅન્સસ સિટીનો ગોલકીપર ટિમ મેલિયા (તસવીર : એ.એફ.પી.)
ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યા પછી લિયોનેલ મેસી ફરી પોતાના દેશની ટીમને ૨૦૨૬ના વિશ્વકપ માટે મજબૂત બનાવવા વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પહોંચી ગયો છે એટલે ઇન્ટર માયામીમાંથી તેણે બ્રેક લીધો છે. જોકે ઇન્ટર માયામીએ શનિવારે મેસીની ખોટ નહોતી સાલવા દીધી. ફ્લૉરિડામાં લિયોનાર્ડો કમ્પાનાના બે ગોલની મદદથી માયામીએ ઈસ્ટર્ન કૉન્ફરન્સમાં સ્પોર્ટિંગ કૅન્સસ સિટીની ટીમને ૩-૨થી હરાવી દીધી હતી. માયામી વતી ત્રીજો ગોલ ફાકુન્ડો ફરિયાસે કર્યો હતો.
મેસીએ ૨૧ જુલાઈએ ઇન્ટર માયામી વતી રમવાનું શરૂ કર્યું એ પહેલાં આ ટીમ ૧૧ મૅચમાં ક્યારેય જીતી નહોતી શકી, પરંતુ મેસીના આગમન પછી આ ટીમ એક પછી એક મૅચ જીતી છે તેમ જ લીગ્સ કપનું ટાઇટલ પણ જીતી ચૂકી છે. મેસીએ માયામી વતી ૧૧ ગોલ કર્યા છે અને ૮ ગોલ તેની મદદથી થયા છે.
ADVERTISEMENT
મેસી હવે ઇન્ટર માયામી વતી ફરી ૧૬ સપ્ટેમ્બરે ઍટલાન્ટા યુનાઇટેડ સામેની મૅચમાં રમશે એવી સંભાવના છે.

