ઈડન ગાર્ડન્સમાં શનિવારે યોજાયેલા સન્માન સમારોહમાં રિચા ઘોષ માટે ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું હતું
ઈન્ડન ગાર્ડન્સમાં સન્માન સમારોહ દરમ્યાન સૌરવ ગાંગુલી, રિચા ઘોષ, મમતા બૅનરજી અને ઝુલન ગોસ્વામી
ઈડન ગાર્ડન્સમાં શનિવારે યોજાયેલા સન્માન સમારોહમાં રિચા ઘોષ માટે ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું હતું. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન ગાંગુલીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જીતવો એ ખૂબ જ ખાસ જીત છે. તારી કરીઅર હજી હમણાં જ શરૂ થઈ છે. આગામી ચારથી ૬ વર્ષમાં વિમેન્સ ક્રિકેટ નોંધપાત્ર રીતે વધશે અને વધુ તકો ઊભી થશે. મને આશા છે કે તું એનો પૂરો લાભ ઉઠાવશે. એક દિવસ અમે કહી શકીશું ભારતીય કૅપ્ટન રિચા ઘોષ.’
ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે ‘તારી ઉંમર ફક્ત બાવીસ વર્ષની છે, તારી પાસે સમય છે. લોકોને સેમી ફાઇનલમાં જેમિમા રૉડ્રિગ્સના ૧૨૭ રન અને હરમનપ્રીત કૌરની ૮૯ રનની ઇનિંગ્સ યાદ હશે, પરંતુ રિચાના ૧૩૦થી વધુના સ્ટ્રાઇક-રેટે પણ પ્રભાવ પાડ્યો. તેણે આટલી સરળતાથી જે કર્યું એ સ્મૃતિ અથવા હરમન સાથે તુલનાત્મક છે. નીચલા ક્રમમાં બૅટિંગ કરતી વખતે તેની ભૂમિકા ખૂબ જ મુશ્કેલ હોય છે. તમને ઓછા બૉલ મળે છે, પરંતુ તમારે શક્ય એટલા વધુ રન બનાવવા પડે છે.’


