Saina Nehwal and Angkrish Raghuvanshi: સાઇનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં ભારતમાં અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવે છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમૅન અંગક્રિશ રઘુવંશીએ કરેલી ટ્વિટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના યુવા બેટ્સમૅન અંગક્રિશ રઘુવંશીએ (Saina Nehwal and Angkrish Raghuvanshi) ભારતની બૅડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. આ સમગ્ર બાબત ભારતમાં વિવિધ સ્પોર્ટ્સના ખેલાડીઓને આપવામાં આવેલી માન્યતા સાથે સંબંધિત છે. બૅડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાઇનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં ભારતમાં અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટ પર જે વધારે ધ્યાન આપવામાં આવે છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
સાઇનાએ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, `દરેક વ્યક્તિ જાણવા માગે છે કે સાઇના શું કરી રહી છે ? દેશના રેસલર સહિત બીજા બૉક્સર શું કરી રહ્યા છે ? નીરજ ચોપરા શું કરી રહ્યા છે ? દરેક વ્યક્તિ આ ખેલાડીઓને ઓળખે છે કારણ કે અમે સતત પ્રદર્શન કર્યું છે અને અખબારોમાં આવ્યા છે. મેં આ કર્યું, મને લાગે છે કે આ એક સપના જેવું છે કે મેં ભારત માટે કર્યું છે, જ્યાં એક સ્પોર્ટ્સ કલ્ચર પણ નથી.
ADVERTISEMENT
ત્યારપછી સાઇનાએ આ વાતચીતમાં ક્રિકેટ બાબતે પણ પોતાનો મત આપ્યો હતો. તેણે કહ્યું ક્યારેક મને ખરાબ લાગે છે કે ક્રિકેટ પર આટલું ધ્યાન આપવામાં આવે છે. ક્રિકેટની વાત એ છે કે... જો તમે બૅડમિન્ટન, બાસ્કેટબૉલ, ટેનિસ અને અન્ય રમતોને જુઓ તો તે પણ શારીરિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. તમારી પાસે શટલ ઉપાડવા અને સર્વિસ કરવાનો સમય પણ નથી હોતો. તમને એવું લાગે છે કે જાણે તમે ખૂબ જ ભારે શ્વાસ લઈ રહ્યા છો. ક્રિકેટ જેવી રમતને એટલું મહત્ત્વ મળે છે કે જ્યાં હું અંગત રીતે માનું છું કે કૌશલ્ય વધુ મહત્ત્વનું હોય છે.
બૅડમિન્ટન સ્ટારની આ વાત પર 20 વર્ષના બૅટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાઇના નેહવાલના વીડિયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. 2022 અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા મુંબઈના બૅટ્સમેન અંગક્રિશે લખ્યું, `ચાલો જોઈએ કે બુમરાહ જ્યારે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે તેના (સાઇનાના) માથા પર બાઉન્સર મારશે ત્યારે તે કેવી રીતે રમશે.`
અંગક્રિશ રઘુવંશીની આ ટિપ્પણી બદલ લોકો તેની ટીકા કરી રહ્યા છે. આ અંગે વિવાદ વધતાં રઘુવંશીએ સાઇના પર કરેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને આ માટે તેણે માફી પણ માગી હતી. અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું- બધા મને માફ કરો. હું તેને મજાક તરીકે કહેવા માંગતો હતો પરંતુ પાછળ જોતા મને લાગે છે કે તે એક અપરિપક્વ મજાક હતી. હું મારી ભૂલ કબૂલ કરું છું અને દિલથી માફી માંગું છું, જોકે આ ઘટના બાદ ક્રિકેટને દેશમાં વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાનો પ્રશ્ન ફરી ઉપસ્થિત થયો છે.

