એક અહેવાલ મુજબ દિનાકર ઇન્દોરની હોટેલરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા

થોડા સમય પહેલાં ચેન્નઈના એમઆરએફ પેસ ફાઉન્ડેશન ખાતે ગ્લેન મૅકગ્રા સાથે એસ. દિનાકર. તસવીર વી. ગણેશન
ઇન્દોરમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ-મૅચ કવર કરનાર ‘ધ હિન્દુ’ અંગ્રેજી દૈનિકના સિનિયર સ્પોર્ટ્સ પત્રકાર એસ. દિનાકરનું ઓચિંતું મૃત્યુ થયું હોવાની સોમવારે રાતે જાણ થતાં આ સિરીઝ કવર કરી રહેલા પત્રકારો અને ફોટોગ્રાફર આઘાત પામ્યા હતા. દિનાકર પ્રેસ-બૉક્સમાં લોકપ્રિય હતા અને ક્રિકેટનું તેમનામાં ગજબનું પૅશન હતું.
ભારતીય ટીમના હેડ-કોચ રાહુલ દ્રવિડે દિનાકરના નિધન વિશે શોક વ્યક્ત કરતાં કહ્યું કે ‘પીઢ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસ. દિનાકરના અવસાનના સમાચાર જાણીને મને ખૂબ દુઃખ થયું છે. તેઓ પત્રકાર હોવાની સાથે મારા નજીકના મિત્ર પણ હતા. તેમના પરિવારને, મિત્રોને તેમ જ સાથી-પત્રકારોને હું દિલાસો આપવા માગું છું. ઘણાં વર્ષોથી હું દિનાકરને ઓળખતો હતો. મને યાદ છે કે તેમણે મારી કેટલીક રણજી મૅચો પણ કવર કરી હતી. દેશમાં ક્રિકેટના ફેલાવા માટે તેમ જ ક્રિકેટરોની કાળજી સંબંધે તેમનામાં ગજબની ઘેલછા હતી. હું ટીમ ઇન્ડિયા વતી કહું છું કે દિનાકરની આપણને ઘણી ખોટ વર્તાશે.’
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ દિનાકર ઇન્દોરની હોટેલરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હૉસ્પિટલ લઈ જવાયા ત્યારે ડૉક્ટરે તેમને મૃત જાહેર કરાયા હોવાનું મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું. દિનાકરને હાર્ટ-અટૅક આવ્યો હોવાનું ડૉક્ટરે પ્રથમદર્શી કારણ આપતાં કહ્યું હતું.

