Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્દોરમાં નાક કપાયું, હવે અમદાવાદમાં આબરૂ સાચવવી જ પડશે

ઇન્દોરમાં નાક કપાયું, હવે અમદાવાદમાં આબરૂ સાચવવી જ પડશે

04 March, 2023 02:33 PM IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી ટેસ્ટમાં ભારતનો રકાસ : ઑસ્ટ્રેલિયાનો ૯ વિકેટે વિજય : લાયન મૅન ઑફ ધ મૅચ : રોહિતે અમદાવાદની પિચ વિશે ઉતાવળે આપેલો મત કદાચ બદલવો પડશે

ત્રીજી ટેસ્ટના બન્ને દાવમાં વિરાટ કોહલી કે કૅપ્ટન રોહિત શર્મા પચીસ રનથી વધુ નહોતા બનાવી શક્યા. તસવીર: પી.ટી.આઇ.

ત્રીજી ટેસ્ટના બન્ને દાવમાં વિરાટ કોહલી કે કૅપ્ટન રોહિત શર્મા પચીસ રનથી વધુ નહોતા બનાવી શક્યા. તસવીર: પી.ટી.આઇ.


ભારતની પિચો સ્પિનર્સને વધુ મદદ અપાવનારી હોય છે અને એના પર મોટા ભાગે ભારતીય સ્પિનર્સ લાભ લઈ જતા હોય છે, પરંતુ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ ઇન્દોરની ટર્નિંગ વિકેટ પર ભારતને ૯ વિકેટે કચડીને પોતે તો ૧૨ પૉઇન્ટ મેળવી ટેસ્ટના વર્લ્ડ કપની જૂનની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી, ભારતના ભાવિને અધ્ધરતાલ કરી નાખ્યું હતું. ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નૅથન લાયને પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં આઠ વિકેટ લઈને ભારતની સ્પિન-્ત્રિપુટી (આર. અ​શ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ)ને ઝાંખી પાડી દીધી હતી.

ભારત સિરીઝમાં હજી ૨-૧થી આગળ હોવા છતાં હવે ૯ માર્ચે ક્રિકેટજગતના સૌથી મોટા અમદાવાદના સ્ટેડિયમમાં શરૂ થનારી ટેસ્ટ ભારતે જીતવી જ પડે એવી સ્થિતિ સર્જાઈ છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીતીને ભારત ૩-૧ના માર્જિન બદલ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં સીધી એન્ટ્રી કરી શકશે.



ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા માત્ર ૭૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે યજમાન ટીમે (૧૮.૫ ઓવરમાં ૭૮/૧) એકમાત્ર ઉસ્માન ખ્વાજા (૦)ની વિકેટના ભોગે મેળવી લીધો હતો. ખ્વાજાને અશ્વિને વિકેટકીપર શ્રીકાર ભરતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ટ્રેવિસ હેડ (૪૯ અણનમ, ૫૩ બૉલ, ૭૭ મિનિટ, એક સિક્સર, છ ફોર) અને માર્નસ લબુશેન (૨૮ અણનમ, ૫૮ બૉલ, ૭૨ મિનિટ, છ ફોર)ની જોડીએ ૭૮ રનની અતૂટ ભાગીદારીથી ઑસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો.


ભારતે પહેલા દાવમાં ૧૦૯ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૧૯૭ રન બનાવ્યા હતા. બીજા દાવમાં ભારતે ૧૬૩ રન બનાવતાં કાંગારૂઓને ફક્ત ૭૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પહેલા દાવમાં ૩ અને બીજા દાવમાં ૮ વિકેટ લેનાર નૅથન લાયનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ ઇન્દોરની મૅચ પહેલાં અેક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ભારત ત્રીજી ટેસ્ટ જીતશે તો અમદાવાદમાં ચોથી ટેસ્ટ માટે ગ્રીન પિચ બનાવવા વિનંતી કરશે.’ જોકે હવે રોહિતે નિર્ણય હવે બદલવો પડશે.


ઑસ્ટ્રેલિયા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં, ભારતનું ભાવિ અધ્ધરતાલ

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે વિજય મેળવીને જૂનની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું હતું. ભારતે હવે ૯ માર્ચથી અમદાવાદમાં રમાનારી ચોથી અને છેલ્લી મૅચ જીતવી જ પડશે. ભારત એમાં જીતશે તો ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચી જશે અને જો બીજું કોઈ પરિણામ આવશે તો ભારતના સ્થાને શ્રીલંકાને જૂનની ફાઇનલમાં પહોંચવાનો મોકો મળશે. જોકે શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડમાં બન્ને ટેસ્ટ જીતવી પડશે તો જ ભારતને ફાઇનલથી વંચિત રાખી શકશે અને કિવીઓને તેમની જ ધરતી પર બન્ને ટેસ્ટમાં હરાવવા શ્રીલંકા માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાશે. ટૂંકમાં, ટીમ ઇન્ડિયાએ અમદાવાદની ટેસ્ટ જીતીને ફાઇનલમાં પહોંચવા કોઈ કસર બાકી ન રાખવી જોઈએ.

ઉતાવળે બનાવાયેલી ઇન્દોરની પિચ આઇસીસીના મતે ‘પુઅર’

ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ માત્ર સવાબે દિવસમાં પૂરી થઈ ગયા પછી ગઈ કાલે આઇસીસીએ આ સ્ટેડિયમને પિચ ઍન્ડ આઉટફીલ્ડ મૉનિટરિંગ પ્રોસેસ હેઠળ પિચને લગતું ‘પુઅર’ સર્ટિફિકેટ આપ્યું હતું. મૅચ-રેફરી ક્રિસ બ્રૉડે પોતાના તરફથી આઇસીસીને રિપોર્ટ આપ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. બ્રૉડે મૅચના અધિકારીઓ (અમ્પાયર્સ વગેરે) તેમ જ બન્ને ટીમના કૅપ્ટન સાથેની ચર્ચા પછી રિપોર્ટ મોકલ્યો હતો. પિચને લગતા મૂલ્યાંકનને આધારે આ સ્ટેડિયમને ત્રણ ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યા છે જે આ સ્ટેડિયમ માટે ખરાબ કહેવાય. બ્રૉડે રિપોર્ટમાં જણાવ્યું કે ‘પિચ ખૂબ ડ્રાય હતી, બૅટ અને બૉલ વચ્ચેની સમતુલા પૂરી પાડવા જેવું એમાં ખાસ કંઈ નહોતું, શરૂઆતથી જ સ્પિનર્સને જ વધુ મદદ મળતી હતી, પાંચમા બૉલથી જ પિચ તૂટવા લાગી હતી અને પેસ બોલર્સને સીમ મૂવમેન્ટ જેવું કંઈ જ નહોતું મળતું અને આખી મૅચમાં ક્યારેક વધુપડતા બાઉન્સ થતા હતા તો ક્યારેક બાઉન્સ અનઇવન પણ રહેતા હતા.’

વાસ્તવમાં આ ટેસ્ટ ધરમશાલામાં રમાવાની હતી, પરંતુ ત્યાંનું આઉટફીલ્ડ પૂરું તૈયાર ન હોવાથી છેલ્લી ઘડીએ (૧૩ ફેબ્રુઆરીએ) મૅચને ઇન્દોરમાં રાખવાનું જાહેર કરાયું હતું અને બે અઠવાડિયાં બાદ (૧ માર્ચે) ટેસ્ટ શરૂ કરાઈ હતી.

આપણા ખેલાડીઓ થોડા આત્મસંતુષ્ટ લાગતા હતા અને થોડો આત્મવિશ્વાસનો અભાવ પણ તેમનામાં જણાતો હતો. તેમણે પોતાના આ નબળા પર્ફોર્મન્સ વિશે ધ્યાનપૂવર્ક સમીક્ષા કરવી જ પડશે. - રવિ શાસ્ત્રી

ભારતીય બૅટર્સ કદાચ પિચ વિશે જ વિચારતા રહ્યા અને પિચને લક્ષમાં રાખીને જ શૉટ મારતા રહ્યા જેને લીધે વહેલી વિકેટ ગુમાવતા રહ્યા. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. - સુનીલ ગાવસકર

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 02:33 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK