વિરાટ કોહલીની સ્પીચના આૅડિયોનો યુઝ કરી ૪૨ સેકન્ડનો વિડિયો શૅર કર્યો જસપ્રીત બુમરાહે
અમદાવાદમાં પુષ્પવર્ષા સાથે થયું હતું ચૅમ્પિયન બુમરાહનું સ્વાગત
T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય ખેલાડીઓના ઘરઆંગણે થયેલા શાનદાર સ્વાગત બદલ બોલિંગ લીડર જસપ્રીત બુમરાહે આભાર વ્યક્ત કર્યો હતો. આ ૩૦ વર્ષનો ફાસ્ટ બોલર અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ દ્વારા સંયુક્ત રીતે રમાયેલી ટુર્નામેન્ટમાં ૧૫ વિકેટ ઝડપી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો. બુમરાહે સોશ્યલ મીડિયા X પર વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘હું છેલ્લા કેટલાક દિવસોથી એક સપનું જીવી રહ્યો છું. એના માટે હું આભારી છું અને એ મને ખુશી અને કૃતજ્ઞતાથી ભરી દે છે.’
૪૨ સેકન્ડની આ ક્લિપમાં વાનખેડે સ્ટેડિયમમાં બુમરાહના યોગદાનની પ્રશંસા કરતી વિરાટ કોહલીની સ્પીચના ઑડિયોને સામેલ કરવામાં આવ્યો છે જેમાં તેને વન્સ ઇન અ જનરેશન બોલર ગણાવવામાં આવ્યો હતો.

