IPL ઇતિહાસનો સૌથી મોંઘો ૨૭ કરોડ રૂપિયાનો પ્લેયર રિષભ પંત કહે છે...
લગ્ન-સમારોહમાં મમ્મી અને બહેન સાથે રિષભ પંતનો ફોટો થયો વાઇરલ.
IPL મેગા ઑક્શનમાં ૨૭ વર્ષનો ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત ૨૭ કરોડ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મૅચ ન રમી શકનાર રિષભ પંતે એક ઇન્ટરવ્યુમાં IPLને લઈને મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘નાનપણથી જ મારું એક જ સ્વપ્ન હતું, ભારત માટે રમવાનું. મેં ક્યારેય IPLમાં રમવાનું વિચાર્યું નહોતું. મને લાગે છે કે લોકો આજે IPL પર વધુ ધ્યાન આપી રહ્યા છે. સ્વાભાવિક છે કે એ એક મોટું પ્લૅટફૉર્મ છે, પણ મારું માનવું છે કે જો તમારું લક્ષ્ય તમારા દેશ માટે રમવાનું છે તો વસ્તુઓ યોગ્ય રીતે થશે અને એમાં IPL પણ સામેલ છે. મને હંમેશાં લાગતું હતું કે હું એક દિવસ ભારત માટે રમીશ અને ભગવાનના આશીર્વાદથી મને ૧૮ વર્ષની ઉંમરે આ તક મળી અને હું એના માટે આભારી છું.’
દુબઈથી પરત ફરેલો રિષભ પંત સીધો પોતાની બહેન સાક્ષીના લગ્નસમારોહમાં જોડાયો છે જેના માટે તેણે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર પ્લેયર્સને ઉત્તરાખંડ આવવા માટે આમંત્રણ આપ્યું છે.

