આવો આરોપ મૂકીને કર્ણાટકના સોશ્યલ વર્કર શિવકુમાર નાયકે રાજસ્થાનની ટીમ વિરુદ્ધ FIR નોંધાવવાની ધમકી આપી
વૈભવ સૂર્યવંશી
માત્ર ૧૫ વર્ષની ઉમરે મેદાન ગજવીને વૈભવ સૂર્યવંશી ચાહકોનો લાડલો બની ગયો છે અને તેમને દેશનો નેક્સ્ટ સુપરસ્ટાર દેખાઈ રહ્યો છે. પણ સોશ્યલ વર્કર શિવકુમાર નાયકને આમાં એક બાળકનું શોષણ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. વૈભવ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવાની તેમણે ધમકી આપી છે. શિવકુમારે એક કન્નડા ટીવી-ચૅનલ પરની ચર્ચા દરમ્યાન આક્ષેપ કરતાં કહ્યુ હતું કે ‘IPLમાં ૧૫ વર્ષની ઉંમરે રમાડીને વૈભવનું શોષણ થઈ રહ્યું છે. આ બાળમજૂરીવિરોધી કાયદાનો ભંગ કહેવાય. વૈભવની તો હજુ ભણવાની ઉંમર છે, પરંતુ તેને ક્રિકેટની સૌથી સ્પર્ધાત્મક લીગ IPLમાં રમાડાઈ રહ્યો છે. આ ચાઇલ્ડ લેબર કહેવાય. હું આના સખત વિરુદ્ધમાં છું. એક બાળક પાસેથી તેનો અધિકાર છીનવી લેવાના મામલે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ અને અદાલતમાં પણ જઈશ.’ વૈભવના ચાહકો સોશ્યલ મીડિયામાં શિવકુમારની ધમકી બાદ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે ટીવી અને ફિલ્મમાં શું બાળકો કામ નથી કરતાં? શું અન્ડર-19 ક્રિકેટ નથી રમાતી?, સચિન તેન્ડુલકરે પણ ૧૬ વર્ષની ઉમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. IPLની અત્યાર સુધીની સીઝનમાં રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ ૨૩૭.૬૪ના સ્ટ્રાઇક-રેટથી કુલ ૪૦૪ રન બનાવ્યા છે.
