Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજાધિરાજ: ગિલના ગઢમાં કોહલી ઍન્ડ કંપનીએ કરી વિજયી ગર્જના

રાજાધિરાજ: ગિલના ગઢમાં કોહલી ઍન્ડ કંપનીએ કરી વિજયી ગર્જના

Published : 01 June, 2026 09:48 AM | Modified : 01 June, 2026 10:00 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતને હરાવીને સતત બીજી વાર ચૅમ્પિયન બન્યું બૅન્ગલોર: ચેન્નઈ અને મુંબઈ પછી બૅક-ટુ-બૅક IPL ટ્રોફી જીતનારી ત્રીજી ટીમ:

ગઈ કાલે વિનિંગ સિક્સ ફટકાર્યા પછી વિરાટ કોહલી.

ગઈ કાલે વિનિંગ સિક્સ ફટકાર્યા પછી વિરાટ કોહલી.


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બૅટરોએ આત્મઘાતી બૅટિંગ કરીને સહેલા ટાર્ગેટને અઘરો બનાવી દીધો એ પછી વિરાટ કોહલી જે રીતે રમ્યો એ જોઈને હવે તેને કિંગને બદલે કયું બિરુદ આપવું જોઈએ ખબર છે?

અમદાવાદમાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીત્યું રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ : ચેન્નઈ અને મુંબઈ બાદ ટાઇટલ ડિફેન્ડ કરનાર ત્રીજી ટીમ બની



ગુજરાતે માંડ-માંડ ૧૫૫-૮નો સ્કોર કર્યો હતો, બૅન્ગલોરે શરૂઆતના ધબડકા પછી ૧૮ ઓવરમાં ૧૬૧ રન કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો : વિનિંગ સિક્સ ફટકારનાર વિરાટ કોહલી ઇન્જરી છતાં ૪૨ બૉલમાં ૭૫ રન કરીને નૉટઆઉટ રહ્યો


બે મહિનામાં ૭૩ મૅચની રસાકસી બાદ IPLની ૧૯મી સીઝનમાં ચૅમ્પિયનનો તાજ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના નામે થયો હતો. ગઈ કાલે અમદાવાદમાં હોમ ટીમ ગુજરાતે વૉશિંગ્ટન સુંદરની ફિફ્ટીની મદદથી માંડ-માંડ ૮ વિકેટે ૧૫૫ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં વિરાટ કોહલીએ પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટીની મદદથી બેન્ગલુરુને ૧૫૬ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપ્યો હતો. બેન્ગલુરુએ ૧૮ ઓવરમાં ૧૬૧-૫નો સ્કોર કર્યો હતો. 

પહેલાં ૧૮ વર્ષના દુકાળ બાદ બૅન્ગલોરે અમદાવાદમાં જ સતત બીજી ટ્રોફી જીતી છે.  ચેન્નઈના મહેન્દ્ર સિંહ ધોની (૨૦૧૦ અને ૨૦૧૧) અને મુંબઈના રોહિત શર્મા (૨૦૧૯ અને ૨૦૨૦), બૅન્ગલોરનો રજત પાટીદાર (૨૦૨૫ અને ૨૦૨૬) ટાઇટલ ડિફેન્ડ કરનાર ત્રીજો કૅપ્ટન બન્યો હતો. ૨૦૨૨ની ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ ૨૦૨૩માં હાર્દિક પંડ્યા અને હવે ૨૦૨૬માં શુભમન ગિલની આગેવાનીમાં ફાઇનલમાં હારી હતી. 


ફાઇનલ મૅચમાં વિરાટ કોહલીએ પચીસ બૉલની પોતાની ફાસ્ટેસ્ટ IPL ફિફ્ટી ફટકારી હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ગુજરાતે ૨.૨ ઓવરમાં માત્ર બાવીસ રનની ઓપનિંગ ભાગીદારીને કારણે પાવરપ્લેમાં માત્ર ૪૫-૨નો સ્કોર કર્યો હતો. ચોથા ક્રમે રમીને વૉશિંગ્ટન સુંદરે ૩૭ બૉલમાં પાંચ ફોરની મદદથી અણનમ ૫૦ રન કર્યા હતા. નિશાંત સિંધુએ ૧૮ બૉલમાં ૨૦ રન, જૉસ બટલરે ૨૩ બૉલમાં ૧૯ રન અને અરશદ ખાને ૬ બૉલમાં ૧૫ રન બનાવ્યા હતા. 
બૅન્ગલોરના બોલિંગ યુનિટની ધારદાર બોલિંગને કારણે ગુજરાતના ખેલાડીઓ ૩૯ ડૉટ બૉલ રમ્યા હતા. યંગ ફાસ્ટ બોલર રસિખ સલામ દારે ૨૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારને ૨-૨ વિકેટ જ્યારે સ્પિનર કૃણાલ પંડ્યાને એક વિકેટ મળી હતી. 

રન-ચેઝ દરમ્યાન બૅન્ગલોરના ઓપનર્સે ૪.૩ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. વેન્કટેશ ઐયરે ૧૬ બૉલમાં ૪ ફોર અને ૨ સિક્સની મદદથી ૩૨ રન કર્યા હતા. કૅપ્ટન રજત પાટીદારે ૧૩ બૉલમાં ૧૫ રન અને ટિમ ડેવિડે ૧૭ બૉલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. 

ઓપનર વિરાટ કોહલીએ ૧૭૮.૫૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૯ ફોર અને ૩ સિક્સની મદદથી ૪૨ બૉલમાં ૭૫ રન ઝૂડ્યા હતા. ૩૭ વર્ષના વિરાટ કોહલીને પગના ભાગે સમસ્યા થઈ રહી હતી એ છતાં 18 નંબરની જર્સી પહેરતો આ ખેલાડી ૧૮મી ઓવર સુધી ટકી રહ્યો હતો. તેણે વિજયી સિક્સ ફટકારી હતી. 

ગુજરાતના બોલર્સે ૮.૫ ઓવરમાં ૯૧ રનના સ્કોર પર ચાર વિકેટ લીધી હતી. જોકે તેઓ દબદબો જાળવી શક્યા નહોતા. સ્પિનર રાશિદ ખાને ૪ ઓવરમાં પચીસ રન આપીને બે વિકેટ લીધી હતી. કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને અરશદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી. 

3.3 - IPL ફાઇનલમાં આટલી ઓવરમાં ફાસ્ટેસ્ટ ટીમ ફિફ્ટી ફટકારી બૅન્ગલોરે. ૨૦૨૩માં ચેન્નઈએ ૪ ઓવરમાં ૫૦ રન કર્યા હતા. 

સૌથી વધુ IPL ફાઇનલ મૅચ હોસ્ટ કરનાર વેન્યુ 
અમદાવાદ (૪ વખત) -  ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૫, ૨૦૨૬
ચેન્નઈ (૩ વખત) - ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૨૪
નવી મુંબઈ (બે વખત) - ૨૦૦૮, ૨૦૧૦ 
કલકત્તા (બે વખત) - ૨૦૧૩, ૨૦૧૫
બૅન્ગલોર (બે વખત) - ૨૦૧૪, ૨૦૧૬
હૈદરાબાદ (બે વખત) - ૨૦૧૭, ૨૦૧૯
દુબઈ (બે વખત) - ૨૦૨૦, ૨૦૨૧
મુંબઈ (૧ વખત) - ૨૦૧૮ 
જોહનિસબર્ગ (૧ વખત) - ૨૦૦૯ 

IPLની ફાઇનલમાં ગુજરાતે લેટ બાઉન્ડરીનો અનિચ્છનીય રેકૉર્ડ કર્યો 
ગુજરાત ગઈ કાલે ૫.૫ ઓવરથી ૧૨.૪ ઓવર વચ્ચે એક પણ બાઉન્ડરી ફટકારી શક્યું નહોતું. IPL ફાઇનલમાં પહેલી વખત કોઈ ટીમ ૪૦ બૉલ સુધી બાઉન્ડરી વગર રહી હતી. છેલ્લે ૨૦૦૯ની ફાઇનલમાં બૅન્ગલોર સામે ડેક્કન ચાર્જર્સના ખેલાડીઓ ૩૫ બૉલ સુધી બાઉન્ડરી ફટકારી શક્યા નહોતા.  ૧૨.૪મી ઓવરમાં ગુજરાત માટે પહેલી સિક્સ અરશદ ખાને ફટકારી હતી. આ સીઝનમાં કોઈ પણ ટીમ દ્વારા આ સૌથી લેટ સિક્સ હતી. ફાઇનલ મૅચમાં સૌથી લેટ સિક્સનો રેકૉર્ડ ૨૦૧૩ની ફાઇનલમાં મુંબઈએ કર્યો હતો. ચેન્નઈ સામે મુંબઈએ પહેલી સિક્સ ૧૨.૫મી ઓવરમાં ફટકારી હતી. 

ક્રિકેટના રોમાંચ વચ્ચે સ્ટેડિયમમાં શિવનો જયજયકાર 

પદ્‍‍મશ્રી સિંગર કૈલાશ ખેરે સૂરોની રમઝટ બોલાવી હતી. ડ્રોન-શો દરમ્યાન સ્ટેડિયમના આકાશમાં દેખાયાં બ્રહ્માંડ, ત્રિશૂળ, શિવતાંડવ, શિવનાં ત્રિશૂળ અને IPL ટ્રોફીનાં દૃશ્યો.

ગુજરાત અને બૅન્ગલોર વચ્ચેની ફાઇનલ મૅચના બ્રેક દરમ્યાન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં શાનદાર ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. પદ્‍‍મશ્રી સિંગર કૈલાશ ખેરે ફાઇનલ મૅચના રોમાંચને નવી ઊંચાઈ આપી હતી. ૫૦૦થી વધુ ડાન્સર્સ વચ્ચે બાવન વર્ષના આ સિંગરે પોતાના અવાજથી સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધું હતું. આ મ્યુઝિક અને ડાન્સના મનોરંજન વચ્ચે સ્ટેડિયમના આકાશમાં અદ્ભુત ડ્રોન-શો પણ જોવા મળ્યો હતો. ધમાકેદાર આતશબાજી વચ્ચે ડ્રોન-શોમાં બ્રહ્માંડ, શિવના ત્રિશૂળ, શિવતાંડવ, IPL ટ્રોફીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ICCના ચૅરમૅન જય શાહ, રાજસ્થાન રૉયલ્સનો વૈભવ સૂર્યવંશી, ઍક્ટર્સ વરુણ ધવન, મૃણાલ ઠાકુર, પૂજા હેગડે સહિત ૯૦,૦૧૪ જેટલા ક્રિકેટ-ફૅન્સે સ્ટેડિયમમાં બેસીને આ યાદગાર ક્લોઝિંગ સેરેમનીનો આનંદ માણ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 10:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK