કે. એલ. રાહુલના ૧૫૨ અને નીતીશ રાણાના ૯૧ એળે ગયા, દિલ્હીના ગઢમાં પંજાબીઓ છવાઈ ગયા, દિલ્હીએ ૨૬૪-૨નો સ્કોર કર્યો, પંજાબે ૭ બૉલ પહેલાં ૨૬૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો
કૅપ્ટન શ્રેયસ ઐયરે ૩ ફોર અને ૭ સિક્સના આધારે ૩૬ બૉલમાં ૭૧ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી.
દેશની રાજધાનીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રેકૉર્ડ-બ્રેક મૅચ જોવા મળી હતી. દિલ્હીએ કે.એલ. રાહુલના ૧૫૨ રન અને નીતીશ રાણાના ૯૧ રનના આધારે ૨૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૨૬૪ રનનો પોતાનો હાઇએસ્ટ IPL સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પંજાબે ઓપનર પ્રભસિમરન સિંહના ૭૬ રન અને શ્રેયસ ઐયરના ૭૧ રનના આધારે ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને T20 ક્રિકેટના ઇતિહાસની હાઇએસ્ટ સફળ રન-ચેઝ કરી દેખાડી હતી.
અગાઉ ૨૦૨૪ની ૨૬ એપ્રિલે પંજાબે જ કલકત્તા સામે ૨૬૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી દેખાડ્યો હતો. આ મૅચ ૫૨૯ રન સાથે IPLની બીજી સૌથી વધુ રનવાળી મૅચ બની હતી. ૨૦૨૪માં બૅન્ગલોર-હૈદરાબાદની મૅચમાં ૫૪૯ રન બન્યા હતા.
ADVERTISEMENT
દિલ્હીના ઓપનર કે.એલ. રાહુલે પહેલાં બૅટિંગ કરવા ઊતરીને ૨૨૬.૮૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૬ ફોર અને ૯ સિક્સના આધારે ૬૭ બૉલમાં અણનમ ૧૫૨ રન કર્યા હતા. ત્રીજા ક્રમના બૅટર નીતીશ રાણાએ ૨૦૬.૮૨ના સ્ટ્રાઇક-રેટથી ૪૪ બૉલમાં ૧૧ ફોર અને ૪ સિક્સની મદદથી ૯૧ રન કર્યા હતા. પંજાબના પ્લેયર્સની સાધારણ ફીલ્ડિંગને કારણે બન્નેએ ટુર્નામેન્ટની ૨૨૦ રનની બીજી સૌથી મોટી ભાગીદારી કરી હતી. પંજાબ માટે ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અને ઝેવિયર બાર્ટલેટે એક-એક વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન પંજાબના ઓપનર્સે ૫.૨ ઓવરમાં ૧૦૦ રન કર્યા બાદ ૬.૫ ઓવરમાં ૧૨૬ રનની ભાગીદારી કરી હતી. પ્રિયાંશ આર્યએ ૧૭ બૉલમાં ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. પ્રભસિમરન સિંહે ૨૯૨.૩૧ના સ્ટ્રાઇક-રેટથી ૯ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૨૬ બૉલમાં ૭૬ રન ઝૂડી દીધા હતા. ચોથા ક્રમે રમવા ઊતરીને કૅપ્ટન શ્રેયસ ઐયરે ૩૬ બૉલમાં ૩ ફોર અને ૭ સિક્સના આધારે ૩૬ બૉલમાં ૭૧ રનની નૉટ-આઉટ ઇનિંગ્સ રમી હતી. કરુણ નાયરે તેના બે સરળ કૅચ છોડ્યા હતા.
પંજાબે પાવરપ્લેમાં ૧૧૬ રન ઝૂડ્યા, દિલ્હીએ બીજી વખત પહેલી છ ઓવર્સમાં ૧૧૦ +રન આપ્યા
પંજાબના ઓપનર્સે ગઈ કાલે પહેલી છ ઓવર્સમાં એટલે કે પાવરપ્લેમાં ૧૧૬ રન કર્યા હતા. પંજાબનો પાવરપ્લેનો આ હાઇએસ્ટ અને ટુર્નામેન્ટનો બીજો મોટો પાવરપ્લે સ્કોર હતો. અગાઉ દિલ્હી સામે જ ૨૦૨૪માં હૈદરાબાદના ઓપનર્સે રેકૉર્ડ ૧૨૫ રન કર્યા હતા. પંજાબ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહ પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર કરનાર બૅટર બન્યો હતો. તેણે પહેલી ૬ ઓવર દરમ્યાન ૨૩ બૉલમાં ૭૧ રન ફટકારી દીધા હતા.
દિલ્હીએ રેકૉર્ડ નવમો ટૉસ જીત્યો
છેલ્લી સીઝનથી હમણાં સુધી દિલ્હીએ સતત નવ મૅચમાં ટૉસ જીત્યો છે. IPLમાં સતત સૌથી વધુ ટૉસ જીતવા મામલે દિલ્હીએ હૈદરાબાદ અને ચેન્નઈની સરખામણી કરી છે. હૈદરાબાદે ૨૦૧૫થી ૨૦૧૬ની સીઝન દરમ્યાન અને ચેન્નઈએ ૨૦૧૯ની સીઝનમાં સતત ૯ ટૉસ જીત્યા હતા.
IPLની એક ઓવરમાં 6 ફોર ફટકારનાર પ્રભસિમરન ત્રીજો બૅટર બન્યો. અજિંક્ય રહાણેએ ૨૦૧૨ અને પૃથ્વી શૉએ ૨૦૨૧માં કરી હતી આ કમાલ.
