૧૫ દિવસ ઘરના કિચનમાં બેસાડી રાખીને, વિડિયો-કૉલ ચાલુ રખાવીને ૧.૧૦ કરોડ રૂપિયા પડાવી લીધા સાઇબર ગઠિયાઓએ
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના અમૃતનગર નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી ૪૭ વર્ષની મહિલા તથા તેનાં વૃદ્ધ માતા-પિતાને તેમના ઘરના રસોડામાં આશરે ૧૫ દિવસ સુધી બેસી રહેવાનું દબાણ કરીને કુલ ૧,૧૦,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે મહિલાએ શુક્રવારે ઈસ્ટર્ન સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પોતાને મુંબઈ પોલીસ હેડક્વૉર્ટરના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવીને પોલીસ-યુનિફૉર્મમાં વિડિયો-કૉલ કરીને મહિલાના પપ્પાના નંબર પર સંપર્ક કર્યો અને આતંકવાદી કેસમાં તેમના આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ વિવિધ બહાનાં અને ધમકી આપી પાંચમી એપ્રિલથી બાવીસમી એપ્રિલ દરમ્યાન તબક્કાવાર પૈસા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ઘાટકોપરના અમૃતનગરમાં BMCમાંથી નિવૃત્ત થયેલી ૮૨ વર્ષની મમ્મી અને બૅન્કમાંથી નિવૃત્ત થયેલા ૮૫ વર્ષના પપ્પા સાથે રહેતી મહિલાને પાંચમી એપ્રિલે એક વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ મુંબઈ પોલીસ હેડક્વૉર્ટરના ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી.
પોલીસ તરીકે ઓળખાવનાર વ્યક્તિએ મહિલાને કહ્યું હતું કે તમારા પપ્પાના આધાર કાર્ડનો ઉપયોગ ફેબ્રુઆરીમાં તામિલનાડુમાંથી ધરપકડ થયેલા આતંકવાદીઓએ કર્યો છે અને તેમની સામે અૅન્ટિ-ટેરરિઝમ સ્કવૉડ (ATS)એ ફરિયાદ નોંધી છે.
આશરે બે કલાક બાદ મહિલાને એક વિડિયો-કૉલ આવ્યો હતો એમાં શિવમ ગુપ્તા દેખાયો હતો અને તેણે પોતે ATS અધિકારી હોવાનું કહ્યું હતું. તેણે પોલીસ-યુનિફૉર્મ પહેર્યો હતો. એ પછી મહિલાને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો.
શિવમ ગુપ્તાએ મહિલા સાથે વાત કરીને તેને પપ્પા સાથે તાત્કાલિક લખનઉ ATSના હેડક્વૉર્ટરમાં આવવા કહ્યું હતું. જ્યારે ફરિયાદીએ વિડિયો-કૉલમાં પપ્પાની હાલત બતાવી ત્યારે સાઇબર ગઠિયાએ મહિલા અને તેના પરિવારને ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
ડિજિટલ અરેસ્ટના કેસમાં મહિલા અને તેના પરિવારને તેમના ઘરના કિચનમાં રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને સિગ્નલ ઍપ્લિકેશન પર વિડિયો-કૉલ સતત ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રકારે મહિલાએ આશરે ૧૫ દિવસ સતત વિડિયો-કૉલ ચાલુ રાખ્યો હતો.
એ દરમ્યાન મહિલાને તેના બૅન્ક-અકાઉન્ટથી લઈને તમામ માહિતી પૂછી લેવામાં આવી હતી જેમાં તેનો વિશ્વાસ વધારવા સુપ્રીમ કોર્ટ તથા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નકલી દસ્તાવેજ મોકલવામાં આવ્યા હતા.
તપાસ માટે પૈસા લેતા હોવાનું કહીને અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાએ પપ્પાનાં ત્રણ બૅન્ક-ખાતાંઓમાંથી ૬૦ લાખ, ૨૫ લાખ અને ૨૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે કુલ ૧,૧૦,૦૦,૦૦૦ રૂપિયા ગઠિયાઓએ પડાવી લીધા હતા.
આખી પ્રક્રિયા દરમ્યાન સતત વિડિયો-કૉલ ચાલુ રાખીને પરિવાર પર માનસિક દબાણ રાખ્યું હતું. તાજેતરમાં મહિલાએ એક ન્યુઝપેપરમાં ડિજિટલ અરેસ્ટના સમાચાર વાંચતાં તેની સાથે થયેલી છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને તમામ બૅન્ક-ખાતાંની માહિતી ભેગી કરવાની શરૂઆત કરી છે.
