ચેન્નઈએ ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો, જવાબમાં ગુજરાત ૧૬.૪ ઓવરમાં ૧૬૨ રન કરીને હારની હૅટ-ટ્રિકથી બચ્યું
ચેન્નઈના બૅટર ઊર્વિલ પટેલની વિકેટ લઈને સાથી-પ્લેયર્સ સાથે ઉજવણી કરતો કૅગિસો રબાડા.
IPL 2026ની ૩૭મી મૅચમાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સે ૮ વિકેટે જીત મેળવી હતી. ચેપૉક સ્ટેડિયમમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના ૭૪ રનના આધારે ચેન્નઈએ ૭ વિકેટે માંડ-માંડ ૧૫૮ રન કર્યા હતા. સાઈ સુદર્શનના ૮૭ રનની મદદથી ગુજરાતે ૧૬.૪ ઓવરમાં બે વિકેટે ૧૬૨ રન કરીને સરળતાથી ૧૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શુભમન ગિલ ઍન્ડ કંપની વર્તમાન સીઝનમાં અને ચેપૉકની IPL મૅચોમાં પણ હારની હૅટ-ટ્રિકથી બચ્યું છે. થોડા સમય પહેલાં મુંબઈ સામે ૧૦૩ રનની વિશાળ જીત મેળવનાર ચેન્નઈ ફરી એક વખત બૅકફુટ પર આવી ગયું છે. ૮ મૅચોમાં આ ચેન્નઈની પાંચમી હાર છે અને ગુજરાતની ચોથી જીત છે. ૧૫.૩ ઓવરમાં ચેન્નઈએ ૯૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડે ૬૦ બૉલમાં ૬ ફોર અને ચાર સિક્સના આધારે અંતિમ ઓવર સુધી રમીને અણનમ ૭૪ રન કર્યા હતા. શિવમ દુબેએ ૧૭ બૉલમાં ૨૨ રન, કાર્તિક શર્માએ ૯ બૉલમાં ૧૫ રન અને જેમી ઓવરટને ૬ બૉલમાં ૧૮ રનનું યોગદાન આપ્યું હતુ. ચેન્નઈએ ગઈ કાલે ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૪૩ રન કર્યા હતા. ટીમે ૫૦ રન સુધી પહોંચવા માટે ૧૨ ઓવર બગાડી હતી. પહેલી ૧૨ ઓવરમાં ૫૧ રન અને છેલ્લી ૮ ઓવરમાં ૧૦૭ રન કર્યા હતા. ગુજરાતના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ૩ વિકેટ અને અર્શદ ખાને બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિનર માનવ સુથારને એક-એક વિકેટ મળી હતી. રન-ચેઝ સમયે ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને ૪૬ બૉલમાં ૪ ફોર અને ૭ સિક્સની મદદથી ૮૭ રન કર્યા હતા. કૅપ્ટન શુભમન ગિલે ૨૩ બૉલમાં ૩૩ રન અને જૉસ બટલરે ૩૦ બૉલમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતુ. ચેન્નઈના વિદેશી સ્પિનર્સ અકીલ હુસેન અને નૂર અહમદને એક-એક સફળતા મળી હતી.
સૌથી વધુ ૫૦+ રનની ભાગીદારી કરી સાઈ-શુભમને
ADVERTISEMENT
IPLમાં ભારતીય જોડી તરીકે સાઈ સુદર્શન અને શુભમન ગિલ સૌથી વધુ ૫૦ પ્લસ રનની ભાગીદારી કરનાર પ્લેયર્સ બન્યા છે. બન્નેએ ૪૦ ઇનિંગ્સમાં ૧૯ વખત ૫૦ પ્લસની ભાગીદારી કરી હતી. અગાઉ આ રેકૉર્ડ રોહિત શર્મા-ઈશાન કિશનના નામે હતો. બન્નેએ ૫૪ દાવમાં ૧૮ વખત આવી ભાગીદારી કરી હતી. ૨૪૦૨ રનની ભાગીદારી સાથે સાઈ-શુભમન આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય જોડી છે.
૩૫૫૫ બૉલમાં ૫૦૦૦ રન પૂરા કર્યા સંજુ સૅમસને
સંજુ સૅમસને ગઈ કાલે ૧૫ બૉલમાં માત્ર ૧૧ રન કરી શક્યો હતો. તે IPLમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ૧૦મો ખેલાડી બન્યો છે. ભારતીય તરીકે તેણે ફાસ્ટેસ્ટ ૩૫૫૫ બૉલમાં ૫૦૦૦ રન પૂરા કર્યા છે. અગાઉ સુરેશ રૈનાએ ૩૬૨૦ બૉલમાં આ રેકૉર્ડ કર્યો હતો.
ઇમ્પૅક્ટ સબના યુગમાં ૪૯ બૉલની સૌથી ધીમી ફિફટી
ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલે ૪૯ બૉલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વર્તમાન સીઝનની પહેલી ફિફ્ટી દરમ્યાન તેણે ૩૫ બૉલ સુધી બાઉન્ડરી ફટકારી નહોતી. ૨૦૨૩માં ઇમ્પૅક્ટ સબ નિયમ શરૂ થયો ત્યાર બાદ ફટકારવામાં આવેલી આ સૌથી ધીમી ફિફ્ટી હતી. તેણે પહેલી ૧૦ ઓવરમાં ૨૭ બૉલમાં ફક્ત ૧૮ રન કર્યા હતા.
