શિવસેનાના ગુરુજ્યોત સિંહે નરેન્દ્ર મહેતા વિશે અપશબ્દો બોલ્યા બાદ BJPના કાર્યકરોએ ગઈ કાલે તેમના પોસ્ટર પર કાળી શાહી ચોપડી
BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને શિવસેનાના પ્રધાન પ્રતાપ સરનાઈ
મીરા-ભાઈંદરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને શિવસેનાના પ્રધાન પ્રતાપ સરનાઈક વચ્ચે છેલ્લા થોડા વખતથી કોલ્ડ વૉર ચાલી રહી છે અને એટલે તેમના કાર્યકરો વચ્ચે પણ અવારનવાર ઝઘડો-ટંટો થઈ રહ્યો છે. મહાયુતિના જ બે મહત્ત્વના સાથી પક્ષો વચ્ચે ચાલી રહેલી આ લડાઈને કારણે બન્ને પક્ષોમાં બધું સમુંસૂતરું નથી એ વાત ફરી એક વાર લોકજીભે ચડી હતી. ભાઈંદર-વેસ્ટના સુભાષચંદ્ર મેદાનમાં આયોજિત કરાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવસેનાની યુવા સેનાના નેતા સરદાર ગુરુજ્યોત સિંહ પણ આવવાના છે એવી માહિતી મળતાં BJPના કાર્યકરો અને નરેન્દ્ર મહેતાના સમર્થકો ભડક્યા હતા અને તેમણે તેમનો વિરોધ કર્યો હતો.
જો મારી પાસે મીરા-ભાઈંદરની ૩૦ ટકા જમીન હોત તો પ્રતાપ સરનાઈક મારે ત્યાં ડ્રાઇવર હોત એવા નરેન્દ્ર મહેતાના સ્ટેટમેન્ટને લઈને ગુરુજ્યોત સિંહે નરેન્દ્ર મહેતાને ગાળો ભાંડી હતી અને તેમનો વિરોધ કરતો વિડિયો વાઇરલ કર્યો હતો. આ ઘટનાને પગલે BJPના કાર્યકરો અને નરેન્દ્ર મહેતાના સમર્થકોએ ગુરુજ્યોત સિંહના પોસ્ટર પર કાળી શાહી ચોપડી હતી અને પોસ્ટર પરના તેના ફોટોને ચંપલ પણ ફટકાર્યાં હતાં. એ જોઈને શિવસેનાના કાર્યકરો અને સમર્થકો ભડક્યા હતા અને મામલો તંગ બની ગયો હતો. જોકે પોલીસે સમયસર વચ્ચે પડીને તેમની વચ્ચે હિંસા વકરે એ પહેલાં મામલો શાંત પાડી દીધો હતો. તાત્પૂરતો તો મામલો શાંત પડી ગયો હતો છતાં મીરા-ભાઈંદરમાં પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી હતી અને ક્યારે પણ ભડકો થવાની શક્યતા વર્તાવાઈ હતી.
