હારવા છતાં POTM જીતનાર બૅન્ગલોરનો પહેલો વિદેશી પ્લેયર બન્યો
ટિમ ડેવિડે ૨૬ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી રોમાંચક અંદાજમાં પોતાની પહેલી IPL ફિફ્ટી પૂરી કરી હતી.
શુક્રવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ વરસાદના વિઘ્નને કારણે ૧૪-૧૪ ઓવરની રમાઈ હતી જેમાં પંજાબે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો જેના કારણે બૅન્ગલોરને હોમ ગ્રાઉન્ડ પર વર્તમાન સીઝનમાં સળંગ ત્રીજી હાર મળી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં હોમ ટીમ બૅન્ગલોરે નવ વિકેટ ગુમાવીને વર્તમાન સીઝનના લોએસ્ટ ૯૫ રનના સ્કોરની બરાબરી કરી હતી. પંજાબે ૧૨.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૯૮ રન ફટકારીને ૯૬ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આ મૅચમાં બૅન્ગલોરના ટિમ ડેવિડે સાતમા ક્રમે બૅટિંગ માટે આવીને ૫૦ રનની ઉપયોગી અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે ૨૬ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી રોમાંચક અંદાજમાં પોતાની પહેલી IPL ફિફ્ટી પૂરી કરી હતી. પંજાબ સામે સાતમા ક્રમે આવીને કોઈ બૅટરે ફિફ્ટી ફટકારી હોય એવી ઘટના ૨૦૧૫ બાદ પહેલી વાર બની છે.
ADVERTISEMENT
પ્રથમ ઇનિંગ્સમાં ૧૦૦ કરતાં ઓછા રનના ટીમ-સ્કોરમાં કોઈ પ્લેયરે ફિફ્ટી ફટકારી હોય એવી IPLના ઇતિહાસની આ પહેલી ઘટના પણ છે. ટિમ ડેવિડ ટીમની હાર છતાં પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીતનાર બૅન્ગલોરનો પહેલો વિદેશી પ્લેયર અને ઓવરઑલ ચોથો પ્લેયર બન્યો છે. IPLમાં મૅચ હારનારી ટીમનો પ્લેયર આ અવૉર્ડ જીત્યો હોય એવી આ ૨૮મી ઘટના છે.

