દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાથે પંજાબ કિંગ્સ પણ ક્યારેય IPL ટાઇટલ જીતી શક્યું નથી
પ્રીતિ ઝિન્ટા
અભિનેત્રી અને પંજાબ કિંગ્સ ફ્રૅન્ચાઇઝીની માલિક પ્રીતિ ઝિન્ટા હાલમાં સોશ્યલ મીડિયા પર સુપર-ઍક્ટિવ છે. તે ફૅન્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના રસપ્રદ જવાબ આપતી જોવા મળી રહી છે. જ્યારે તેને પંજાબ કિંગ્સની નવી સ્ક્વૉડ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે ટ્વીટ કરીને લખ્યું કે ‘આ વર્ષે પંજાબ કિંગ્સના પ્લેયર્સને મારો સંદેશ છે - ઘોંઘાટથી દૂર રહો, રમત પર ધ્યાન કેન્દ્રિત કરો, રિકી પૉન્ટિંગ (હેડ કોચ)ને સાંભળો, એક ટીમ તરીકે રમો અને મેદાન પર મજા કરો અને ચાલો આ વર્ષે આપણા બધા માટે જીતીએ.’
આ ફ્રૅન્ચાઇઝી ૨૦૦૮માં સેમી-ફાઇનલિસ્ટ અને ૨૦૧૪માં રનર-અપ બન્યા સિવાય ક્યારેય પ્લે-ઑફમાં એન્ટ્રી મેળવી શકી નથી. દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાથે પંજાબ કિંગ્સ પણ ક્યારેય IPL ટાઇટલ જીતી શક્યું નથી. આ વખતે પંજાબ કિંગ્સે હેડ કોચ રિકી પૉન્ટિંગ અને કૅપ્ટન શ્રેયસ ઐયરને ટ્રોફી જીતાડી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.


