એની પહેલાં ક્વૉલિફાયર-ટૂ પણ અમદાવાદમાં જ રમાશે : ક્વૉલિફાયર-વન અને એલિમિનેટર મૅચ ન્યુ ચંડીગઢમાં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે વર્તમાન IPL સીઝનના પ્લેઑફ રાઉન્ડની મૅચોનાં નવાં વેન્યુની જાહેરાત કરી હતી. બોર્ડની જાહેરાત અનુસાર ટુર્નામેન્ટના એક અઠવાડિયાના સ્થગિત થયા પહેલાં હૈદરાબાદ અને કલકત્તા પ્લેઑફ મૅચનું આયોજન કરવાનાં હતાં. હવામાન પરિસ્થિતિઓ અને અન્ય પરિમાણોને ધ્યાનમાં રાખીને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા પ્લેઑફ માટે નવાં સ્થળો ન્યુ ચંડીગઢ અને અમદાવાદ નક્કી કરવામાં આવ્યાં છે.
ન્યુ ચંડીગઢના મુલ્લાનપુરસ્થિત નવા સ્ટેડિયમમાં ક્વૉલિફાયર-વન (૨૯ મે) અને એલિમિનેટર (૩૦ મે)ની મૅચ રમાશે. ૨૦૨૪થી આ સ્ટેડિયમમાં ૯ જેટલી IPL મૅચ રમાઈ છે અને પહેલી વાર પ્લેઑફ મૅચની યજમાની કરશે, જ્યારે ક્વોલિફાયર-ટૂ (એક જૂન) અને ફાઇનલ મૅચ (ત્રણ જૂન)ની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી છે. અમદાવાદસ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૦૨૨ અને ૨૦૨૩ની IPL ફાઇનલ મૅચ સહિત ઘણી પ્લેઑફ મૅચ રમાઈ હતી.


