૨૦૧૬માં IPL જીતેલી આ ટીમ ૨૦૧૮માં રનરઅપ રહી હતી
હૈદરાબાદની જીત બાદ ખુશખુશાલ જોવા મળી ફ્રૅન્ચાઇઝી ઓનર કાવ્યા મારન.
શુક્રવારે ચેપૉકમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ક્વૉલિફાયર-ટૂ મૅચમાં રાજસ્થાન રૉયલ્સને ૩૬ રને હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે ૬ વર્ષ બાદ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમે ૯ વિકેટ ગુમાવીને ૧૭૫ કર્યા હતા, પણ હૈદરાબાદની સ્પિન જોડી શાહબાઝ અહમદ (૩ વિકેટ) અને અભિષેક શર્મા (૨ વિકેટ) સામે રાજસ્થાનના બૅટર્સ ટકી ન શક્યા અને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૯ રન બનાવી શક્યા.
હૈદરાબાદનો ઇમ્પૅક્ટ પ્લેયર શાહબાઝ અહમદ ૧૮ રન ફટકારીને ૪ ઓવરમાં ૨૩ રનમાં ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. પ્લેઑફની ૧૧મી મૅચ રમી રહેલી કૅપ્ટન સંજુ સૅમસનની ટીમની આ છઠ્ઠી હાર છે. ૨૦૦૮ની ચૅમ્પિયન ટીમ ફરી એક વાર ટાઇટલ જીતવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ૨૦૧૬ની ચૅમ્પિયન અને ૨૦૧૮ની રનર-અપ ટીમ હૈદરાબાદ પાસે ૮ વર્ષ બાદ ફરી ચૅમ્પિયન બનવાની સ્વર્ણિમ તક છે.
ADVERTISEMENT
IPLમાં વધુ સિક્સર આપનાર બોલર
૨૨૪ - યુઝવેન્દ્ર ચહલ
૨૨૨ - પીયૂષ ચાવલા
૨૦૬ - રવીન્દ્ર જાડેજા
૨૦૨ - રવિચન્દ્રન અશ્વિન
સૌથી વધુ સિક્સર યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લાગી
મૅચમાં ૪ ઓવરમાં ૩૪ રન આપીને એક પણ વિકેટ ન લેનાર રાજસ્થાનના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક અનોખો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. યુઝી ચહલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ખાનાર બોલર બની ગયો છે. તેની સામે બૅટર્સે કુલ ૨૨૪ સિક્સર ફટકારી છે. ૨૨૨ સિક્સર સાથે પીયૂષ ચાવલા આ લિસ્ટમાં બીજા ક્રમે છે, જ્યારે રવીન્દ્ર જાડેજા ૨૦૬ સિક્સર સાથે ત્રીજા ક્રમે છે. યુઝવેન્દ્ર ચહલ વર્તમાન સીઝનમાં ૩૦ સિક્સર આપી ચૂક્યો છે. ૨૦૨૨માં મોહમ્મદ સિરાજની બોલિંગ પર ૩૧ સિક્સર બેટર્સે ફટકારી હતી.