અંગ્રેજીમાં SKY તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવને ગુજરાતે આજે કન્ટ્રોલમાં રાખવો પડશે અને લખનઉને સ્પર્ધાની બહાર કરનાર આકાશ મધવાલથી ખૂબ જ ચેતવું પડશે

અમદાવાદમાં ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન વખતે ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા. તસવીર પી. ટી. આઇ.
હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ગયા વર્ષે ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી ક્યારેય લીગ સ્ટેજમાં કે પ્લે-ઑફ (નૉકઆઉટ)માં પ્રેશરમાં નથી આવી, પરંતુ આજે પહેલી વાર એવું બનશે કે આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ પાંચ વખત વિજેતા બનેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામેની હાઈ-પ્રેશરવાળી મૅચમાં સ્પર્ધામાં ટકી રહેવા ઝઝૂમશે. આજની ક્વૉલિફાયર-ટૂમાં ગુજરાતે ખાસ કરીને SKY તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવથી ખૂબ સાવધ રહેવું પડશે. ઈશાન કિશન અને નેહલ વઢેરા તેમ જ કૅમેરન ગ્રીન તો ફૉર્મમાં છે જ, આજે તો ખુદ રોહિત શર્મા પણ સારું રમે તો નવાઈ નહીં. હા, ગુજરાતે આજે સૂર્યાને કન્ટ્રોલમાં રાખવો જ પડશે.
લખનઉને સ્પર્ધાની બહાર કરનાર ઉત્તરાખંડના પેસ બોલર આકાશ મધવાલથી પણ હાર્દિકની ટીમે ખૂબ ચેતવું પડશે. તેણે બુધવારે પાંચ રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. તેના આ વિક્રમજનક પર્ફોર્મન્સથી લખનઉની ટીમ ૮૧ રનના તોતિંગ માર્જિનથી હારી ગઈ હતી. મુંબઈની ટીમ અનેક અપ્સ-ડાઉન્સ જોયા પછી ખરા સમયે ક્લિક થઈ અને બૅન્ગલોર બહાર થઈ જતાં પ્લે-ઑફમાં આવી ગઈ. બાકી, છેલ્લે એટલે કે ૧૨ મેએ વાનખેડેમાં મુંબઈએ ગુજરાતને સૂર્યકુમારની તોફાની સદી (૧૦૩ અણનમ)થી અને મધવાલની જ ત્રણ વિકેટની મદદથી ૨૭ રનથી હરાવ્યું હતું. મધવાલે ત્યારે સાહા, ગિલ અને મિલરની વિકેટ લીધી હતી. રોહિત શર્મા ગુજરાતના રાશિદ ખાન સામે છમાંથી ચાર મુકાબલામાં આઉટ થયો છે, પરંતુ સૂર્યાએ રાશિદના ૪૭ બૉલમાં ૬૭ રન બનાવ્યા છે.
6
મુંબઈ અને ગુજરાત ૨૦૨૩ની આઇપીએલની બેસ્ટ ચેઝિંગ ટીમ છે, કારણ કે એમણે નવમાંથી આટલી મૅચમાં સફળ ચેઝ નોંધાવ્યા છે.
અમદાવાદની પિચ કેવી છે?
અમદાવાદની પિચ બૅટર્સને વધુ લાભ અપાવનારી હોવાની પાકી સંભાવના છે. જોકે ૪૩ ડિગ્રી તાપમાન હોવાને કારણે ક્યોરેટર્સે કવર ઢાંક્યું છે, જેથી કરીને પિચ વધુ ન તૂટે. જોકે પિચ પર પૂરતું પાણી છાંટવામાં આવ્યું છે, જેથી એમાં પ્રમાણસર ભેજ રહે. હવામાં બહુ ભેજ નહીં હોય એવી શક્યતા પણ છે.