ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2023: ધોનીએ ૯ મૅચમાં એકસરખા ૧૨ ખેલાડીઓને રમાડ્યા

IPL 2023: ધોનીએ ૯ મૅચમાં એકસરખા ૧૨ ખેલાડીઓને રમાડ્યા

25 May, 2023 10:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતની આઇપીએલમાં ઘણું બધુ પહેલી વાર બન્યું

હાર્દિક પંડ્યા અને એમએસ ધોની ફાઇલ તસવીર IPL 2023

હાર્દિક પંડ્યા અને એમએસ ધોની ફાઇલ તસવીર

પાંચ સબસ્ટિટ્યૂટ અને એમાંના એક ખેલાડીને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પસંદ કરીને ૧૧ને બદલે ૧૨ પ્લેયરની ટીમ બનાવવાની છૂટ આપતા આ વખતની આઇપીએલના નવા નિયમનો સૌથી સારો ફાયદો એમ. એસ. ધોનીએ સીએસકે માટે ઉઠાવ્યો છે. સીએસકેની ૯ મૅચ એવી હતી જેમાં ધોનીએ ૧૨ ખેલાડીમાં કોઈ પણ ફેરફાર નહોતો કર્યો. ટૂંકમાં, ૯ મૅચમાં સીએસકેની એની એ જ ૧૨ ખેલાડીની ટીમ રમી હતી. બીજા નંબરે ગુજરાત ટાઇટન્સની ટીમ છે જેણે ચાર મૅચમાં એના એ જ ૧૨ ખેલાડીને રમાડ્યા. જોકે લીગ સ્ટેજમાં દસમાંથી પાંચ ટીમ એવી હતી જેમણે એક પણ વખત એની એ જ ટ્વેલ્વની ટીમ નહોતી રાખી.

એક દિવસમાં ૨૦૦-પ્લસના સ્કોર : ૩૦ એપ્રિલે કુલ ૮૨૭ રન બન્યા હતા. આઇપીએલના ઇતિહાસમાં આવું પહેલી જ વખત બન્યું. એ દિવસે ચાર ટીમે ૨૦૦-પ્લસ સ્કોર નોંધાવ્યા હતા અને એમાં ચેન્નઈ, પંજાબ, રાજસ્થાન, મુંબઈનો સમાવેશ હતો.


પંજાબના સતત ચાર ૨૦૦-પ્લસ : આઇપીએલના ઇતિહાસમાં કોઈ ટીમે ઉપરાઉપરી ચાર ટી૨૦ મૅચમાં ૨૦૦-પ્લસનો સ્કોર નોંધાવ્યો હોય એવું પહેલી વાર બન્યું. પંજાબે બાવીસમી એપ્રિલે મુંબઈ સામે ૨૧૪/૮ બનાવ્યા બાદ ૨૮ એપ્રિલે લખનઉ સામે ૨૦૧ રન, ૩૦ એપ્રિલે ચેન્નઈ સામે ૨૦૧/૬ બનાવ્યા બાદ ૩ મેએ મુંબઈ સામે ૨૧૪/૩નો સ્કોર નોંધાવ્યો હતો. ૩ મેની મૅચ પહેલાં મુંબઈ અને પંજાબ સામે સતત ત્રણ-ત્રણ વખત હરીફ ટીમે ૨૦૦-પ્લસ રન બનાવ્યા હતા, પરંતુ એ મૅચમાં પંજાબે ૨૧૪ રન બનાવ્યા એટલે લાગલગાટ ચાર મૅચમાં કોઈ ટીમ સામે ૨૦૦-પ્લસ રન બન્યા હોવાની ઘટના બની અને એ અનિચ્છનીય રેકૉર્ડ મુંબઈ સામે બન્યો હતો. જોકે મુંબઈએ એ મૅચ જીતી લેતાં સતત ચાર મૅચમાં હરીફને ૨૦૦-પ્લસ રન બનાવવા દેનાર ટીમોમાં મુંબઈ પછી પંજાબનું નામ પણ લખાઈ ગયું.


યશસ્વી થયો ગિલક્રિસ્ટની બરાબરીમાં : કોઈ બૅટર એક સીઝનમાં પોતે રમેલી મૅચોમાં પહેલી ઓવરમાં બનાવેલા રનમાં અત્યાર સુધી ગિલક્રિસ્ટ પ્રથમ હતો. તેણે ૨૦૦૯માં પહેલી તમામ ઓવરમાં કુલ મળીને ૧૧૦ રન બનાવ્યા હતા. આ સીઝનમાં યશસ્વી જયસ્વાલે પણ પહેલી ઓવરમાં કુલ ૧૧૦ રન બનાવ્યા. ગિલીના એ સીઝનમાં કુલ રનમાં પહેલી ઓવરના ૧૯.૧ ટકા રન હતા. યશસ્વીના આ સીઝનમાં કુલ રનમાં પ્રથમ ઓવરના ૧૪.૪ ટકા રન હતા.

૪૦ હાફ સેન્ચુરી બની પચીસ બૉલમાં : ૨૦૨૩માં ૪૦ હાફ સેન્ચુરી માત્ર પચીસ બૉલમાં બની. આ સિદ્ધિ ૨૮ બૅટર્સે અપાવી અને આઇપીએલના ઇતિહાસમાં આ વિક્રમ છે. બીજા નંબરે ૨૦૧૮ની સીઝન છે જેમાં ૧૬ બૅટર્સે કુલ મળીને ૧૯ હાફ સેન્ચુરી ફક્ત પચીસ બૉલમાં ફટકારી હતી.


136
ચેન્નઈમાં લખનઉ સામેની મૅચમાં સીએસકેના બોલર્સે (નિર્ધારિત ૧૨૦ને બદલે) એક્સ્ટ્રા સહિત કુલ આટલા બૉલ ફેંક્યા હતા. બૉલની દૃષ્ટિએ આઇપીએલના ઇતિહાસમાં આ સૌથી લાંબી ઇનિંગ્સ છે.

3
કોઈ ટીમના બૅટરે ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરતી વખતે મૅચના અંતિમ બૉલમાં આટલા રન દોડીને લીધા હોવાનો પહેલો બનાવ ૩૦ એપ્રિલે બન્યો, જેમાં ચેન્નઈ સામે પંજાબના સિકંદર રઝાએ આટલા રન લીધા હતા.

25 May, 2023 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK