Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > SRH vs MI: મેઘરાજાના બૅન્ગલોરના ડ્રામા પહેલાં મુંબઈને ‘ગ્રીન’ સિગ્નલ

SRH vs MI: મેઘરાજાના બૅન્ગલોરના ડ્રામા પહેલાં મુંબઈને ‘ગ્રીન’ સિગ્નલ

22 May, 2023 10:52 AM IST | Mumbai
Dinesh Savaliya | feedbackgmd@mid-day.com

મઢવાલની ચાર વિકેટ બાદ ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીનની અણનમ સેન્ચુરીથી જ મુંબઈ માટે પ્લે-ઑફની આશા જીવંત રહી હતી ઃ રોહિતની ટીમનો માર્કરમની ટીમ સામે આઠ વિકેટે વિજય, ૧૦મા અને છેલ્લા સ્થાન સાથે હૈદરાબાદની વિદાય

રોહિત શર્મા, આકાશ મઢવાલ અને કૅમેરન ગ્રીન

IPL 2023

રોહિત શર્મા, આકાશ મઢવાલ અને કૅમેરન ગ્રીન


આઇપીએલની ૧૬મી સીઝનની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ૮ વિકેટે હાર સાથે શરૂઆત કરનાર મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં પોતાની છેલ્લી લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે હરાવીને આ સીઝનમાં એનો અંત લાવી દીધો હતો. હૈદરાબાદે આપેલો ૨૦૧ રનનો ટાર્ગેટ મુંબઈએ ૧૮ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે વટથી મેળવી લીધો હતો. મુંબઈની આ જીતનો હીરો હતો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન. તેણે ૪૭ બૉલમાં ૮ સિક્સર અને ૮ ફોર સાથે અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. તેની આ કમાલની ઇનિંગ્સને લીધે મુંબઈ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે પહોંચી ગયું હતું. પેસ બોલર આકાશ મઢવાલની ૪ વિકેટ બાદ ગ્રીનની અણનમ સેન્ચુરીની કમાલને લીધે જ ગઈ કાલે (બૅન્ગલોરમાં બૅન્ગલોર-ગુજરાત વચ્ચેની રાતની મૅચ અગાઉ મેઘરાજાએ સસ્પેન્સ રાખ્યું એ પહેલાં) મુંબઈ માટે પ્લે-ઑફની આશા જીવંત રહી હતી. મુંબઈની જીત સાથે જ રાજસ્થાન રૉયલ્સ પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગયું હતું.

ફરી ૨૦૦નો ટાર્ગેટ પાર



૨૦૦ પ્લસનો ટાર્ગેટ પાર કરવામાં માહેર મુંબઈએ હૈદરાબાદે આપેલો ૨૦૧ રનનો ટાર્ગેટ ૧૮મી ઓવરના છેલ્લા બૉલે મેળવી લીધો હતો. ઓપનર ઇશાન કિશન માત્ર ૧૪ રન બનાવીને આઉટ થયા બાદ કૅપ્ટન રોહિત શર્મા (૫૬ રન, ૩૭ બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને મૅન ઑફ ધ મૅચ કૅમેરન ગ્રીન (૧૦૦ અણનમ, ૪૭ બૉલ, આઠ સિક્સર, આઠ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૬૫ બૉલમાં બનેલી ૧૨૮ રનની પાર્ટનરશિપે જીત આસાન કરી નાંખી હતી. રોહિતની વિદાય બાદ સૂર્યકુમાર યાદવે ૧૬ બૉલમાં ચાર ફોર સાથે પચીસ રન ફટકારીને જીતની ઔપચારિકતા પૂરી કરી હતી. 


આ સીઝનમાં ચોથી વાર મુંબઈએ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ પહેલાં રાજસ્થાન, પંજાબ અને બૅન્ગલોર સામે મુંબઈએ આવી કમાલ કરી હતી. 

ઓપનર્સના દમ પર ૨૦૦


મુંબઈએ ટૉસ જીતીને હૈદરાબાદને પ્રથમ બૅટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જમ્મુમાં જન્મેલા હૈદરાબાદના ઓપનર વિવ્રાંત શર્મા (૬૯ રન, ૪૭ બૉલ, બે સિક્સર, નવ ફોર) અને સાથી ઓપનર મયંક અગરવાલે (૮૩ રન, ૪૬ બૉલ, ચાર સિક્સર અને આઠ ફોર) મુંબઈના બિનઅસરદાર બોલરોની ખબર લઈ નાંખતા ૧૩.૫ ઓવરમાં ૧૪૦ રન ફટકારીને મજબૂત પાયો નાંખ્યો હતો. એ સમયે મુંબઈને ૨૨૫ની આસપાસનો ટાર્ગેટ મળશે એવું લાગી રહ્યું હતું, પણ મુંબઈએ ૧૭, ૧૮ અને ૧૯મી ઓવરમાં ફક્ત ૬-૬ રન જ આપવા ઉપરાંત ૪ વિકેટ ઝડપતાં સ્કોરને બ્રેક લાગી ગઈ હતી અને ૨૦૦ રન સુધી પણ નહીં પહોંચે એવું લાગતું હતું. આખરે હૈદરાબાદના કૅપ્ટન ઍઇડન માર્કરમ છેલ્લા બૉલે સિક્સર ફટકારીને સ્કોરને ૨૦૦ના આંકડે પહોંચાડવામાં સફળ રહ્યો હતો.  

આકાશ આૅન ફાયર

મુંબઈના અનુભવી બોલરો જેસન બેહરનડોર્ફ (૩-૦-૩૬-૦), ક્રિસ જૉર્ડન (૪-૦-૪૨-૧) અને પીયૂષ ચાવલા (૪-૦-૩૯-૦) ખાસ કંઈ પ્રભાવ નહોતા પાડી શક્યા ત્યારે ઉત્તરાખંડના આકાશ મઢવાલે ફરી એક વાર પ્રભાવશાળી પર્ફોર્મન્સ કરતાં ચાર ઓવરમાં ૩૭ રન આપીને ચાર વિકેટ લીધી હતી. મઢવાલને લીધે જ હૈદરાબાદનો સ્કોર ૨૦૦ સુધી સીમિત રહ્યો હતો. મઢવાલને ડેન્જર બની રહેલા હૈદરાબાદના બન્ને ઓપનરો ઉપરાંત મૅન ઇન ફોર્મ હૅન્રિક ક્લાસન (૧૮ રન, ૧૩ બૉલ, બે ફોર) અને હૅરી બ્રુક (૦)ને પેવિલિયનમાં પાછા મોકલી દીધા હતાં. 

69
વિવ્રાંત શર્માએ ગઈ કાલે આઇપીએલમાં તેની બૅટિંગની સૌપ્રથમ ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા. જે કોઈ પણ અનકૅપ્ડ ખેલાડીએ પોતાની પ્રથમ આઇપીએલ ઇનિંગ્સમાં નોંધાવેલા સ્કોર્સમાં સેકન્ડ બેસ્ટ સ્કોર છે. આમાં બેસ્ટ ૮૪ રનનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયન શૉન માર્શના નામે છે.

મુંબઈની છઠ્ઠી સેન્ચુરી, બધા જ અણનમ

મુંબઈ ઇન્ડિયન્સ વતી સેન્ચુરી ફટકારનાર કૅમેરન ગ્રીન છઠ્ઠો બૅટર બની ગયો હતો. નવાઈની વાત એ છે કે મુંબઈ વતી સેન્ચુરી ફટકારનાર બધા જ બૅટર્સ અણનમ રહ્યા છે. ગ્રીન ગઈ કાલે ૪૭ બૉલમાં ૧૦૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ જ સીઝનમાં થોડા દિવસ પહેલાં સૂર્યકુમારે ગુજરાત સામે અણનમ ૧૦૩ રન બનાવ્યા હતા. ૨૦૦૮માં જયસૂર્યા (અણનમ ૧૧૪, ચેન્નઈ સામે), ૨૦૧૧માં તેન્ડુલકર (અણનમ ૧૦૦, કોચી સામે) ૨૦૧૨માં રોહિત શર્મા (અણનમ ૧૦૯, કલકત્તા સામે), ૨૦૧૪માં સિમૉન્સે (અણનમ ૧૦૦, પંજાબ સામે) આવી કમાલ કરી હતી. 

રોહિતના ટી૨૦માં ૧૧,૦૦૦ રન

આ સીઝનમાં ખાસ કંઈ દમ ન બતાવી શકેલા મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે ૫૬ રનની ઇનિંગ્સ સાથે ટી૨૦ ક્રિકેટમાં ૧૧,૦૦૦ રનનો માઇલસ્ટોન પાર કરી લીધો હતો. રોહિતે ૧૦મી ઓવરમાં ઉમરાન મલિકને સતત ત્રણ બૉલમાં બાઉન્ડરી ફટકારીને ૧૧,૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. રોહિતના હવે ૪૨૧ મૅચમાં કુલ ૬ સેન્ચુરી અને ૭૪ હાફ-સેન્ચુરી સાથે  ૧૧,૦૧૬ રન છે. ૧૧,૦૦૦ રનનો માઇલસ્ટોન મેળવનાર રોહિત વર્લ્ડનો સાતમો અને વિરાટ બાદ બીજો ભારતીય બૅટર છે. આ પહેલાં ગેઇલ (૧૪,૫૬૨), શોએબ મલિક (૧૨,૫૨૮), પોલાર્ડ (૧૨,૧૭૫), વિરાટ (૧૧,૮૬૪), વૉર્નર (૧૧,૩૯૨) અને ફિન્ચ (૧૧,૩૯૨) આ કમાલ કરી 
ચૂક્યા છે.

કોહલીની સાતમી સદી : ગેઇલનો વિક્રમ તોડ્યો
 
બૅન્ગલોરમાં ગઈ કાલે કાલે આઇપીએલની ૧૬મી સીઝનની આખરી લીગ મૅચની શરૂઆત પહેલાં ઘણી વાર સુધી મેઘરાજાએ વિઘ્નો ઊભાં કર્યા પછી એક કલાક બાદ ગુજરાત ટાઇટન્સ સામે શરૂ થયેલી મૅચમાં બૅન્ગલોરની ટીમે બૅટિંગ મળ્યા બાદ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (૧૦૧ અણનમ, ૬૧ બૉલ, એક સિક્સર, તેર ફોર)એ આઇપીએલમાં સાતમી સદી ફટકારી છે. એ સાથે તેણે ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૬ સેન્ચુરી ફટકારવાનો ક્રિસ ગેઇલનો વિક્રમ તોડી નાખ્યો છે. બૅન્ગલોરના ૨૦૦ની નજીકના સ્કોરમાં કોહલીની આ અણનમ સદી ઉપરાંત ડુ પ્લેસીના ૨૮, બ્રેસવેલના ૨૬ અને અનુજ રાવતના અણનમ ૨૩ રન હતા. નૂર અહમદે સૌથી વધુ બે તેમ જ શમી, યશ દયાલ, રાશિદે એક-એક વિકેટ લીધી હતી.
 
વાનખેડેમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે હૈદરાબાદ સામે શાનદાર વિજય મેળવ્યા બાદ મુંબઈના ખેલાડીઓએ ‘થૅન્ક યુ મુંબઈ’ના બૅનર સાથે જે પરેડ કાઢી હતી એમાં વિજયી ટીમના ફ્રૅન્ચાઇઝીનાં માલિક નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ પણ હાજરી આપી હતી. તસવીર આશિષ રાજે

કોણ છે વિવ્રાંત શર્મા?

મુંબઈની ધગધગતી ગરમીમાં મુંબઈના બોલરોને પરસેવે રેબઝેબ કરી દેનાર હૈદરાબાદના ઓપનર વિવ્રાંત શર્માએ ગઈ કાલે અફલાતૂન ફટકાબાજીથી ચાહકોનાં દિલ જીતી લીધાં અને ગૂગલ પર તેના વિશે જાણવા માટે સર્ચ થવા માડ્યું હતું. જમ્મુ-કાશ્મીરનો ૨૪ વર્ષનો વિવ્રાંત ગઈ સીઝનમાં હૈદરાબાદનો નેટ બોલર હતો. ત્યારે અને ત્યાર બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હૈદરાબાદનું મૅનેજમેન્ટ તેનાથી ખૂબ જ ઇમ્પ્રેસ થયું હતું અને ઑક્શનમાં તેને ૨.૬ કરોડ રૂપિયાની ઊંચી કિંમતે ખરીદી લીધો હતો. આ સીઝનમાં તેને લખનઉ અને રાજસ્થાન સામે એમ બે જ વાર મોકો મળ્યો હતો, પણ બૅટિંગ કરવાનો ચાન્સ નહોતો મળ્યો અને એક વાર બોલિંગ કરી હતી, પણ કોઈ વિકેટ નહોતો લઈ શક્યો, પણ ગઈ કાલે વાનખેડેમાં ૪૭ બોલમાં ૬૯ રનની અફલાતૂન ઇનિંગ્સ દ્વારા તેણે પોતાની ટેલન્ટનો પરચો આપી દીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 10:52 AM IST | Mumbai | Dinesh Savaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK