ચેન્નઈના કૅપ્ટનનો ક્રિકેટની ભાવના વિરુદ્ધનો અભિગમ જોઈને ભૂતપૂર્વ અમ્પાયર હાર્પર નિરાશ
IPL 2023
ધોની અને અમ્પાયર વચ્ચે થયેલી લાંબી વાતચીત આમ જાણી જોઈને કરવામાં આવી હોવાનું મનાય છે.
મંગળવારે ગુજરાત સામેની આઇપીએલની ક્વૉલિફાયર-વનમાં શ્રીલંકાના પેસ બોલર મથિશા પથિરાનાને બોલિંગ કરાવવા માટે ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જાણી જોઈને સમય બગાડ્યો હોવાનો આરોપ આઇસીસીના ભૂતપૂર્વ અમ્પાયર ડૅરિલ હાર્પરે મૂક્યો હતો. આ ફાસ્ટ બોલર આઠ મિનિટ માટે મેદાનમાં નહોતો. આઇપીએલના નિયમ મુજબ જો કોઈ ખેલાડી ઈજા કે અન્ય કોઈ કારણસર આઠ કરતાં વધુ મિનિટ સુધી મેદાન છોડીને બહાર જાય તો તે એટલા સમય સુધી મેદાન પર રહ્યા પછી જ બોલિંગ કરી શકે. ગુજરાતને વિજય માટે ૧૬મી ઓવરમાં ૭૧ રન કરવાના હતા. ધોની અને અમ્પાયર વચ્ચે થયેલી લાંબી વાતચીત આમ જાણી જોઈને કરવામાં આવી હોવાનું મનાય છે.
આ પણ વાંચો : IPL 2023: આખું ભારત ધોનીના હાથમાં ટ્રોફી જોવા આતુર છેઃ સુરેશ રૈના
ADVERTISEMENT
તેમની વાતચીત પૂરી થઈ ત્યાં સુધીમાં તો આઠ મિનિટ પૂરી થઈ ગઈ હતી. આમ પથિરાના બોલિંગ કરી શક્યો હતો. ઑસ્ટ્રેલિયાના અમ્પાયર હાર્પરે કહ્યું કે ‘ધોનીએ જાણી જોઈને સમય બગાડ્યો હતો. મારા માટે આ ક્રિકેટ-ભાવનાના અભાવ સમાન વાત છે. કેટલાક લોકો કાયદાથી પર હોય છે. જીતવા માટે લોકો ક્યાં સુધી જતા હોય છે એ જોઈને નિરાશ થઈ જવાય છે.’
અે મૅચમાં ગુજરાતનો ચેન્નઈ સામે ૧૫ રનથી પરાજય થયો હતો જેને પગલે ચેન્નઈ ફાઇનલમાં પહોંચી ગયું અને ગુજરાતે આજે અમદાવાદમાં મુંબઈ સામે ક્વૉલિફાયર-ટૂ રમવી પડવાની છે. પથિરાનાઅે અે મૅચમાં ૩૭ રનમાં બે વિકેટ લીધી હતી.