હેડ-કોચ બાઉચરે કહ્યું, ‘અમને રહાણેની ઇનિંગ્સ કરતાં ચેન્નઈની બોલિંગ વધુ ખૂંચી’
રોહિત શર્માને મૂળ મુંબઈના જ તુષાર દેશપાંડેએ ક્લીન બોલ્ડ કર્યો હતો. અને બૅટર ઑફ ધ મૅચ : અજિંક્ય રહાણેએ ૨૭ બૉલમાં છગ્ગા-ચોક્કાની રમઝટ સાથે ૬૧ રન બનાવ્યા હતા. તસવીર આશિષ રાજે
મુંબઈ ઇન્ડિયન્સે શનિવારે હોમ-ગ્રાઉન્ડ વાનખેડેમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં ૭ વિકેટે શરમજનક પરાજય જોવો પડ્યો એ સાથે સૌથી વધુ પાંચ વાર ચૅમ્પિયન બનેલી તથા ગઈ સીઝનમાં તળિયાના ૧૦મા સ્થાને રહેલી આ ટીમે લાગલગાટ બીજી હાર ખમવી પડી ત્યાર બાદ કૅપ્ટન રોહિત શર્માએ ઇનામ-વિતરણ સમારોહમાં ઉદાસીનતા સાથે કહ્યું કે ‘ટીમના સિનિયર ખેલાડીઓએ સારું રમવું જ પડશે અને એની શરૂઆત મારાથી થશે. આઇપીએલ જેવી ટુર્નામેન્ટની શરૂઆતમાં અમુક પ્રકારની ગતિશીલતા જરૂરી બને છે અને એ હાંસલ ન થાય તો પછીથી જીતવું વધુ મુશ્કેલ થઈ જાય છે. હજી બે જ લીગ મૅચ રમાઈ છે એટલે કંઈ બધું લૂંટાઈ નથી ગયું. જીતવાની શરૂઆત થઈ જાય તો લાગલગાટ થોડા વિજય મળતા જાય છે, પણ હારતા જ રહીએ તો એમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ હોય છે. અમે ચેન્જરૂમમાં જેકોઈ ચર્ચા કરીએ છીએ એ મેદાન પર કારગત નથી નીવડતી.’
સૂર્યકુમારનો ફક્ત એક રન
ADVERTISEMENT
મુંબઈએ બૅટિંગ મળ્યા પછી ૮ વિકેટે ૧૫૭ રન બન્યા હતા. રોહિત શર્મા (૨૧ રન) અને ઈશાન કિશન (૩૨ રન) વચ્ચે માત્ર ૩૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. કૅમેરન ગ્રીન તેના ૧૨ રનના સ્કોર પર રવીન્દ્ર જાડેજાના બૉલમાં તેના જ હાથે કૅચઆઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ (બે બૉલમાં એક રન)નું ફૉર્મ હજીયે ટીમ માટે ચિંતાજનક છે. મિચલ સૅન્ટનરના બૉલમાં ધોનીએ તેનો કૅચ પકડ્યો હતો. પાછલી મૅચમાં અણનમ ૮૪ રન બનાવનાર તિલક વર્મા શનિવારે બાવીસ રન પર જાડેજાના બૉલમાં લેગ બિફોર વિકેટનો શિકાર થયો હતો. જાડેજાની ત્રણ વિકેટ ઉપરાંત સૅન્ટનર અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી. સિસાન્દા મૅગાલાએ એક વિકેટ લીધી હતી.
રહાણેના ૭૧, જાડેજાને અવૉર્ડ
ચેન્નઈએ ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. ડેવોન કૉન્વે ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો હતો, પણ ઋતુરાજ ગાયકવાડ (૪૦ અણનમ, ૩૬ બૉલ, એક સિક્સર, બે ફોર) ફરી ટીમને ઉપયોગી બન્યો હતો. તેની અને અજિંક્ય રહાણે (૬૧ રન, ૨૭ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી થઈ હતી. શિવમ દુબેએ ૨૮ અને ઈજાગ્રસ્ત દીપક ચાહરના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર બનેલા અંબાતી રાયુડુએ અણનમ ૨૦ રન બનાવ્યા હતા. મુંબઈના ૬ બોલર્સમાંથી જેસન બેહરનડૉર્ફ અને પીયૂષ ચાવલાએ તથા ટિમ ડેવિડના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલા કુમાર કાર્તિકેયે એક વિકેટ લીધી હતી.
હેડ-કોચ બાઉચર નિરાશ
મુંબઈ ઇન્ડિયન્સનો હેડ-કોચ માર્ક બાઉચર શનિવારે ખૂબ નિરાશ હતો. તેણે કહ્યું કે ‘અમને રહાણેની ઇનિંગ્સ કરતાં ચેન્નઈની બોલિંગ વધુ ખૂંચી.’ રવીન્દ્ર જાડેજાને ૨૦ રનમાં ત્રણ વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
મને ટૉસ પહેલાં જ ખબર પડી હતી કે મારે રમવાનું છે. કમનસીબે મોઇનની તબિયત સારી નહોતી. ડોમેસ્ટિક સીઝન સારી રહ્યા પછી મેં નેટમાં પણ સારી બૅટિંગ કરી હતી. માહીભાઈ અને કોચ ફ્લેમિંગે અમને બધાને રમવાની બાબતમાં ખૂબ ફ્રીડમ આપી છે. ધોનીએ મને કહ્યું કે તારી સ્ટ્રેન્ગ્થ મુજબ રમજે. - અજિંક્ય રહાણે


