ટીમના માલિક એન. શ્રીનિવાસન પણ મંદિરમાં આવ્યા હતા અને ટ્રોફી સાથે કરવામાં આવેલી પૂજામાં ભાગ લીધો હતો.

ચૅમ્પિયન ટ્રોફીને મંગળવારે ફ્રૅન્ચાઇઝીના મૅનેજમેન્ટ દ્વારા ચેન્નઈ નજીકના તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (તિરુપતિ બાલાજી) મંદિરમાં લાવવામાં આવી હતી
સોમવારે મોડી રાતે અમદાવાદમાં આઇપીએલની ૧૬મી સીઝનની એક્સાઇટિંગ ફાઇનલ જીતીને પાંચમું ટાઇટલ જીતવાના મુંબઈ ઇન્ડિયન્સના વિક્રમની બરાબરી કરનાર ચેન્નઈ સુપર કિંગ્સની આ વખતની ચૅમ્પિયન ટ્રોફીને મંગળવારે ફ્રૅન્ચાઇઝીના મૅનેજમેન્ટ દ્વારા ચેન્નઈ નજીકના તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (તિરુપતિ બાલાજી) મંદિરમાં લાવવામાં આવી હતી. ટીમના માલિક એન. શ્રીનિવાસન પણ મંદિરમાં આવ્યા હતા અને ટ્રોફી સાથે કરવામાં આવેલી પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વેન્કટેશ્વરા ટેમ્પલમાં ઉપસ્થિત કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં રમવા લંડન ગયેલી ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપવા પણ પૂજા રાખવામાં આવે. સોશ્યલ મીડિયામાં ગુરપ્રીત ગુજ્જર નામના ક્રિકેટપ્રેમીએ લખ્યું હતું કે ‘એક પૂજા તો ઇન્ડિયન ટીમ ભી ડિઝર્વ કરતી હૈ.’ સંકલ્પ દુબે નામના બીજા ક્રિકેટલવરે ટ્વિટર પર લખ્યું કે ‘ભારતની ડબ્લ્યુટીસી ફાઇનલ માટે પણ પૂજા જરૂરી છે.’ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૭ જૂને લંડનના ઓવલમાં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થશે. એમાં રોહિત શર્માની ટીમનો પૅટ કમિન્સ ઇલેવન સાથે મુકાબલો થશે.