ડબ્લ્યુપીએલમાં મુંબઈ વતી રમેલી ઇસ્સી વૉન્ગ પ્લેયર ઑફ ધ મૅચ : ભારતનો સિરીઝમાં ૧-૨થી પરાજય
ઇસ્સી વૉન્ગ
મુંબઈના પ્રવાસે આવેલી ઇંગ્લૅન્ડ ‘એ’ મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા ‘એ’ને લો-સ્કોરિંગ થ્રિલરમાં ત્રીજી તથા છેલ્લી ટી૨૦ મૅચમાં પાંચ બૉલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ભારતીય ટીમ છેલ્લી ઓવર સુધી લડી હતી. મિડિયમ પેસ બોલર ઇસ્સી વૉન્ગ (૨.૨-૦-૧૮-૨ અને ૩૦ બૉલમાં એક સિક્સર, બે ફોરની મદદથી અણનમ ૨૮) આ મૅચની સુપરસ્ટાર હતી. ઇસ્સી વૉન્ગ આ વર્ષની સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી હતી. ગઈ કાલે ભારતીય મહિલા ટીમ ૧૯.૨ ઓવરમાં ફક્ત ૧૦૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં વિકેટકીપર ઉમા ચેટ્રીના ૨૧ રન હાઇએસ્ટ હતા. કૅપ્ટન મિન્નુ મની (૮ રન) અને જી. ત્રિશા (૭ રન) સહિત તમામ બૅટર્સ સારું રમવામાં નિષ્ફળ ગઈ હતી. ભારતીય ટીમે વળતી લડત આપીને પ્રવાસી ટીમને નાનો ટાર્ગેટ સહેલાઈથી નહોતો મેળવવા દીધો. હૉલી આર્મિટેજની ટીમે ૧૯.૧ ઓવરમાં ૮ વિકેટે ૧૦૪ રન બનાવ્યા હતા. ૧૬મી ઓવરમાં બે વિકેટ લેનાર શ્રેયંકા પાટીલ ઉપરાંત મિન્નુ મનીએ પણ આ મૅચમાં બે વિકેટ લીધી હતી. હવે બુધવારે વાનખેડેમાં જ ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થશે. ૬, ૯ અને ૧૦ ડિસેમ્બરની આ મૅચો સાંજે ૭.૩૦ વાગ્યે મૅચ શરૂ થશે. વાનખેડેમાં આ મૅચોમાં પણ તમામ ક્રિકેટ ફૅન્સને મફતમાં એન્ટ્રી છે.


