ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ આપેલા ૮૩ રનના ટાર્ગેટને ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને બાવન બૉલ પહેલાં ચેઝ કરી બતાવ્યો
ભારતીય ટીમ એક પણ મૅચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ટીમ પણ બની
ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ આપેલા ૮૩ રનના ટાર્ગેટને ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને બાવન બૉલ પહેલાં ચેઝ કરી બતાવ્યો : એક પણ મૅચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ટીમ બની ભારતની : વર્લ્ડ કપ ટાઇટલ ડિફેન્ડ કરનારી ભારતની પહેલી ટીમ બની આ અન્ડર-19 વિમેન્સ ટીમ
મલેશિયામાં આયોજિત અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમ ૯ વિકેટે સાઉથ આફ્રિકાને હરાવીને ચૅમ્પિયન બની છે. ૨૦૨૩માં શફાલી વર્માના નેતૃત્વમાં આ ટાઇટલ જીતનાર ભારતીય ટીમે આ વખતે નિકી પ્રસાદની કૅપ્ટન્સીમાં બીજી વાર આ ટ્રોફી ઉપાડી છે. સાઉથ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ૮૨ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ભારતીય ટીમે ૧૧.૨ ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાન સાથે ૮૪ રન ફટકારીને ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો.
ADVERTISEMENT
ભારતીય ટીમ એક પણ મૅચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ટીમ પણ બની. પહેલી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં બે અજેય ટીમ રમી રહી હતી. આ ટીમ ભારતની પહેલી ટીમ બની છે જેણે વર્લ્ડ કપ ટાઇટલને ડિફેન્ડ કર્યું હોય.
પહેલી ઇનિંગ્સમાં ભારતીય સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. ત્રિશા ગોંગાડીએ ત્રણ વિકેટ તથા વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા અને પરુણિકા સિસોદિયાએ બે-બે વિકેટ ઝડપી હતી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઓપનર ત્રિશાએ ૩૩ બૉલમાં અણનમ ૪૪ રન અને વાઇસ-કૅપ્ટન સનિકા ચાલ્કેએ બાવીસ બૉલમાં ૨૬ રનની ઇનિંગ્સ રમીને બીજી વિકેટ માટે ૪૮ રનની અતૂટ ભાગીદારી કરી હતી.
સ્કૉટલૅન્ડ સામે ટુર્નામેન્ટની એકમાત્ર સેન્ચુરી ફટકારનાર ત્રિશા ૭ ઇનિંગ્સમાં ૧૪૭ના સ્ટ્રાઇક-રેટ સાથે ૩૦૯ રન કરીને ટોચની સ્કોરર રહી છે. તે ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ સાથે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ બની છે. તેણે ૭ ઇનિંગ્સમાં ૬.૪૨ના ઇકૉનૉમી-રેટથી ૭ વિકેટ પણ લીધી. સ્પિનર વૈષ્ણવી શર્માએ છ મૅચમાં ૪.૩૫ના ઇકૉનૉમી-રેટથી સૌથી વધુ ૧૭ વિકેટ લીધી છે.
બે વર્ષમાં ચાર ICC ફાઇનલ હારી સાઉથ આફ્રિકન ટીમ
૨૦૨૩થી ૨૦૨૫ દરમ્યાન સાઉથ આફ્રિકા ચોથી ICC ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ હારી છે. આ પહેલાં સાઉથ આફ્રિકાની સિનિયર વિમેન્સ ટીમ ૨૦૨૩ અને ૨૦૨૪નો T20 વર્લ્ડ કપ હારી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકન મેન્સ ટીમને રોહિત શર્મા ઍન્ડ કંપની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચારેય ફાઇનલમાં હારીને સાઉથ આફ્રિકન ટીમને રનર-અપ ટીમ બનીને સંતોષ કરવો પડ્યો હતો.
7
આટલામું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું ભારતે મેન્સ અને વિમેન્સ અન્ડર-19 ક્રિકેટમાં.

