ભારત સામે T20માં ૧૦૦ રનથી પહેલી વખત હાર્યું ઝિમ્બાબ્વે : પાંચ મૅચની T20 સિરીઝ ૧-૧થી થઈ બરાબર : અભિષેક શર્મા બીજી T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બૅટર બન્યો
અભિષેક શર્મા
ઝિમ્બાબ્વે સામે પહેલી મૅચમાં ખરાબ રીતે હારનાર ભારતીય ટીમે બીજી મૅચમાં જોરદાર કમબૅક કર્યું હતું. બીજી T20માં ઝિમ્બાબ્વે સામે ૧૦૦ રને જીત મેળવીને શુભમન ગિલ ઍન્ડ કંપનીએ ૧-૧થી સિરીઝ બરાબર કરી છે. ભારત સામે T20માં ૧૦૦ રનથી પહેલી વખત ઝિમ્બાબ્વે હાર્યું હતું. આ પહેલાં ઝિમ્બાબ્વે ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયા સામે ૧૦૦ રનથી હાર્યું હતું.
ગઈ કાલની મૅચમાં ૨૪ કલાકની અંદર ઝીરો ખેલાડી હીરો બનતા જોવા મળ્યા હતા. ડેબ્યુ મૅચમાં ડક થનાર અભિષેક શર્માએ ૪૬ બૉલમાં સેન્ચુરી ફટકારીને દિગ્ગજોની લિસ્ટમાં સ્થાન મેળવી લીધું હતું. ૨૧૨.૭૭ના સ્ટ્રાઇક-રેટથી ૮ સિક્સર અને ૭ ચોગ્ગા ફટકારીને તેણે ૧૦૦ રન ફટકારી દીધા હતા. મૅચ દરમ્યાન બે જીવનદાન મેળવનાર અભિષેકે બીજી T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બૅટર બન્યો છે. આ પહેલાં ત્રીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારીને દીપક હુડા T20માં ઝડપથી સેન્ચુરી ફટકારનાર બૅટર બન્યો હતો.
ADVERTISEMENT
ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને તેણે ૭૬ બૉલમાં ૧૩૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ઋતુરાજ ગાયકવાડે (૭૭ રન) રિન્કુ સિંહ (૪૮ રન) સાથે મળીને ૩૬ બૉલમાં ૮૭ રનની પાર્ટનરશિપ કરીને ભારતનો સ્કોર બે વિકેટે ૨૩૪ રન કર્યો હતો.
આ સ્કોર સાથે ભારતીય ટીમે હરારેમાં હાઇએસ્ટ ૨૨૯ રનનો શ્રીલંકાનો T20 ઇન્ટરનૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ૧૩૪ રન બનાવીને ૮ બૉલ પહેલાં ઝિમ્બાબ્વેની ટીમ ઑલઆઉટ થઈ હતી, જેમાં વેસ્લી મધેવેરેએ સૌથી વધારે ૪૩ રન ફટકાર્યા હતા. ભારત માટે સૌથી વધુ ૩-૩ વિકેટ મુકેશ કુમાર અને આવેશ ખાને લીધી હતી.
સુદર્શનને ભારત માટે ૧૧૪મી T20 ઇન્ટરનૅશનલ કૅપ મળી
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં ૨૪ કલાકમાં ચોથા ભારતીય ખેલાડીએ T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કર્યું હતું. કૅપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર ખલીલ અહમદને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરીને ગુજરાત ટાઇટન્સના પોતાના સાથી સાઈ સુદર્શનને ડેબ્યુ કરવાની તક આપી હતી. જોકે બાવીસ વર્ષના આ વિકેટકીપર-બૅટરને બૅટિંગ કરવાની તક મળી નહોતી. તેના પિતા આર. ભારદ્વાજ ૧૯૯૩માં સાઉથ એશિયન ગેમ્સમાં ઍથ્લીટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, તેની માતા ઉષા ભારદ્વાજ એક પ્રોફેશનલ વૉલીબૉલ ખેલાડી હતી. ભારત માટે સાઈ સુદર્શન ૧૧૪મો T20 ઇન્ટરનૅશનલ ખેલાડી બન્યો હતો.

