સાઇકા-શ્રેયંકાની ત્રણ-ત્રણ વિકેટ પછી મંધાનાના ૪૮ રને ટીમની લાજ રાખી : અમનજોતનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ
વાનખેડેમાં અમનજોત કૌરની વિનિંગ-બાઉન્ડરી બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌરે તેની સાથે જીત સેલિબ્રેટ કરી હતી. પી.ટી.આઇ.
હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમે ગઈ કાલે ઇંગ્લૅન્ડને વાનખેડેમાં ત્રીજી અને છેલ્લી ટી૨૦માં છ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના તફાવતથી હરાવીને પ્રવાસી ટીમને ૩-૦થી વાઇટવૉશ નહોતો કરવા દીધો અને સિરીઝ બ્રિટિશ ટીમની ૨-૧ની જીત સાથે પૂરી થઈ હતી.
ભારતીય ટીમે ૧૨૭ રનનો લક્ષ્યાંક ૧૯ ઓવરમાં પાંચ વિકેટે મેળવી લીધો હતો. સ્મૃતિ મંધાના (૪૮ રન, ૪૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની ઇનિંગ્સે ટીમને મોટી નામોશીથી બચાવી હતી તો તેની સાથે જેમાઇમા રૉડ્રિગ્સ (૨૯ રન, ૩૩ બૉલ, ચાર ફોર)નું અને ખાસ કરીને છેલ્લે અમનજોત કૌરે (૧૩ અણનમ, ચાર બૉલ, ત્રણ ફોર) રિવર્સ સ્વીપની બાઉન્ડરી સાથે મૅચને એક્સાઇટિંગ ફિનિશિંગ ટચ આપ્યો હતો. એ પહેલાં, ઇંગ્લૅન્ડે બનાવેલા ૧૨૬ રનમાં ખાસ કરીને કૅપ્ટન હીધર નાઇટનું બાવન રનનું મુખ્ય યોગદાન હતું. શ્રેયંકા પાટીલે ૧૯ રનમાં ત્રણ. સાઇકા ઇશાક બાવીસ રનમાં ત્રણ વિકેટ તેમ જ અમનજોત કૌર તથા રેણુકા સિંહે બે-બે વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટીલને પ્લેયર ઑફ ધ મૅચનો અને નૅટ સિવર-બ્રન્ટને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો.

