કૅપ્ટન કહે છે કે શાસ્ત્રી હેડ-કોચ તરીકે ઘણો સમય ડ્રેસિંગ રૂમમાં રહ્યા હોવાથી ટીમનું રમતી વખતે માઇન્ડસેટ કેવું હોય છે એ બરાબર જાણે છે

રોહિત શર્મા
પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ફસડાઈ પડી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ આ હાર માટે બે જીત બાદ ટીમમાં આવી ગયેલા ‘ઓવર-કૉન્ફિડન્સ’ને જવાબદાર ગણાવ્યો હતો. જોકે ભારતીય કૅપ્ટન તેમની સાથે જરાય સહમત નથી અને તાજેતરનાં વર્ષોમાં ટીમ સાથે રહ્યા અને ટીમના માઇન્ડસેટને બરાબર જાણતા હોવા છતાં આવા મતને લીધે તેમને જરાક નવાઈભર્યું લાગે છે. રોહિતે શાસ્ત્રીની કમેન્ટના જવાબમાં કહ્યું છે કે ‘અમે જરાય અતિ ઉત્સાહિત નથી. અમે માત્ર ને માત્ર જીતવાના લક્ષ્ય સાથે જ રમી રહ્યા છીએ.’ એ રીતે રોહિતે ટીમ ઇન્ડિયાના કિલર ઇન્સ્ટિન્ક્ટનો ઉલ્લેખ કરીને શાસ્ત્રી સાથે અસહમતી વ્યક્ત કરી છે.
રોહિતે ફોડ પાડતાં કહ્યું કે ‘અમે પહેલી બન્ને ટેસ્ટ જીતી ગયા હતા. જો ટીમ મૅનેજમેન્ટની બહારની કોઈ વ્યક્તિને લાગતું હોય કે અમે વધુપડતા આત્મવિશ્વાસમાં આવી ગયા તો એ માન્યતા સાવ કચરા જેવી કહેવાય. દરેક ખેલાડી પ્રત્યેક મૅચમાં બેસ્ટ પર્ફોર્મ કરવાના હેતુથી જ મેદાન પર ઊતરતો હોય છે.’