જોકે તેના બચાવમાં પણ આવી ગયા ઘણા લોકો
મોહમ્મદ શમી
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈને એક નવો અને મોટો વિવાદ ઊભો થયો છે. મોહમ્મદ શમીના એક ફોટોને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની સેમી-ફાઇનલ મૅચ દરમ્યાન તે એનર્જી ડ્રિન્ક પીતો જોવા મળ્યો હતો એને કારણે કટ્ટરપંથીઓ તેને નિશાન બનાવી રહ્યા છે. રમઝાનમાં મુસ્લિમ સમુદાય દિવસભર ઉપવાસ રાખીને સૂર્યાસ્ત પછી ઉપવાસ તોડે છે, પણ ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ દરમ્યાન તે એનર્જી ડ્રિન્ક પીતો જોવા મળ્યો હતો. તેણે આ મૅચમાં ૧૦ ઓવરમાં ૪૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
શમીનું આ કામ કેટલાક લોકોને નહોતું ગમ્યું. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સે તેની વિરુદ્ધ નેગેટિવ કમેન્ટ કરી હતી. ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરૈલવી કહે છે, ‘ફરજિયાત ફરજોમાંની એક ફરજ રોજા (ઉપવાસ) છે. જો કોઈ સ્વસ્થ પુરુષ કે સ્ત્રી રોજા ન પાળે તો તે મોટો ગુનેગાર ગણાય. શરિયતની નજરમાં શમી ગુનેગાર છે. તેણે ભગવાનને જવાબ આપવો પડશે.’
ADVERTISEMENT
પગની ઇન્જરી બાદ ટીમ ઇન્ડિયામાં શાનદાર કમબૅક કરનાર શમીની દેશને ધર્મથી ઉપર રાખવા બદલ ઘણી પ્રશંસા થઈ રહી છે. તેણે આ મૅચમાં ૩ વિકેટ લઈને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકી કહે છે, ‘મને લાગે છે કે જે લોકો કંઈ પણ કહી રહ્યા છે તેમને ઇસ્લામની કોઈ સમજ નથી. આ છોકરો દેશ માટે રમી રહ્યો છે. તે કોઈ સ્થાનિક મૅચ નથી રમી રહ્યો. જો તે દેશ માટે રમી રહ્યો છે તો સમસ્યા શું છે?’
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક્ઝિક્યુટિવ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી કહે છે, ‘બધા મુસ્લિમો માટે રોજા રાખવા ફરજિયાત છે, ખાસ કરીને રમઝાન મહિનામાં. જોકે અલ્લાહે કુરાનમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ મુસાફરીમાં હોય અથવા તબિયત ખરાબ હોય તો તેની પાસે રોજા ન રાખવાનો વિકલ્પ છે. મોહમ્મદ શમીના કિસ્સામાં તે ટૂર પર છે એથી તેની પાસે રોજા ન રાખવાનો વિકલ્પ છે. કોઈને પણ તેના પર આંગળી ચીંધવાનો અધિકાર નથી.’

