કોહલીએ ૫૪ રન અને હાર્દિકે ૪૦ રન બનાવ્યા હતા,

ભારતે ૪ વર્ષ અપરાજિત રહેવાની પરંપરા અને નંબર વન રૅન્ક ગુમાવ્યાં
ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ચેન્નઈની છેલ્લી વન-ડેમાં ભારતને ૨૧ રનથી હરાવીને ચાર વર્ષ સુધી ઘરઆંગણે અપરાજિત રહેવાની ભારતની પરંપરા તોડી હતી તેમ જ એની પાસેથી નંબર-વનનો રૅન્ક પણ આંચકી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા પછી મિચલ માર્શના ૪૭ રનની મદદથી ફક્ત ૨૬૯ રન બનાવ્યા હતા. હાર્દિક, કુલદીપે ત્રણ-ત્રણ અને સિરાજ-અક્ષરે બે-બે વિકેટ લીધી હતી.
જવાબમાં ભારત ૪૯.૧ ઓવરમાં ૨૪૮ રને ઑલઆઉટ થઈ જતાં ભારતની ૨૧ રનથી હાર થઈ હતી. કોહલીએ ૫૪ રન અને હાર્દિકે ૪૦ રન બનાવ્યા હતા, પરંતુ ખાસ તો જાડેજાના ૩૩ બૉલના ૧૮ રન ભારતને ભારે પડ્યા હતા. રોહિતે ૩૦, ગિલે ૩૭ રન બનાવ્યા હતા. રાહુલના ૩૨ રન હતા. ઝૅમ્પાએ ચાર, ઍગરે બે અને સ્ટૉઇનિસ-અબૉટે એક-એક વિકેટ લીધી હતી. સ્ટાર્કને વિકેટ નહોતી મળી. ઝૅમ્પાને મૅચનો અને માર્શને સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો.