મજબૂત અને સ્થિર મિડલ ઑર્ડર તથા ધારદાર બોલિંગ-અટૅક સાથે ભારતીય ટીમે હવે ત્રીજી વાર વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનું જાહેર કરી દીધું : રવિવારે ભારત આઠમી વાર એશિયા કપ જીત્યું હતું
ભારતીય ક્રિકેટ ટીમ
ત્રણ અઠવાડિયાં પહેલાં ભારત એશિયા કપ માટે શ્રીલંકા પહોંચ્યું ત્યારે એણે અનેક કોયડા ઉકેલવાના હતા. ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપ પહેલાં જરૂરી કૉન્ફિડન્સ મેળવવાનો આ એક સોનેરી અવસર હતો અને બૅલૅન્સ ટીમની અજમાઈશ માટે પણ આ છેલ્લો મોકો હતો.
જોકે રવિવારે એશિયા કપની ફાઇનલમાં વટથી વિજેતા બનીને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ વર્લ્ડ કપની દરેક ચૅલેન્જ માટે તૈયાર હોવાનો હુંકાર કરી દીધો છે. ભારતીય ટીમે હવે મિડલ ઑર્ડર અને બોલિંગ-આક્રમણ વિશેની શંકા મહદંશે દૂર કરી દીધી છે.
ADVERTISEMENT
મિડલ આૅર્ડરની ચિંતા દૂર
થોડા જ દિવસોમાં ઘરઆંગણે શરૂ થનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં રોહિતસેનાની મિડલ ઑર્ડરની અનિશ્ચિતતા કદાચ સૌથી વધુ ચર્ચાનો વિષય હતો, પરંતુ કે. એલ. રાહુલની વાપસી અને મિડલ ઑર્ડર વિકલ્પ તરીકે ઈશાન કિશનના પર્ફોર્મન્સને લીધે એ ચિંતા ઓછી થઈ ગઈ છે.
રાહુલના શાનદાર કમબૅકથી ટીમ મૅનેજમેન્ટને સૌથી મોટી રાહત થઈ હશે. રાહુલે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારવા ઉપરાંત દરેક મૅચમાં વિકેટકીપિંગ પણ કર્યું હતું. તેણે ડાઇવ મારીને શાનદાર કૅચ પકડવા ઉપરાંત તેનો રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવની બોલિંગમાં પણ પર્ફોર્મન્સ અદ્ભુત હતો. એના પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે ટીમ મૅનેજમેન્ટે તેની ડબલ ભૂમિકા વિશે ચોખવટ કરી લીધી છે અને એ પણ એનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. આનંદિત રાહુલે આ સંદર્ભે કહ્યું કે ‘ટીમ મૅનેજમેન્ટે મને સ્પષ્ટ જણાવી દીધું હતું કે મારા મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગ પણ કરવાની છે એથી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં મેં કોચની મદદથી કીપિંગ માટે ખૂબ મહેનત કરી હતી. હવે મને વિશ્વાસ છે કે હું મેદાનમાં મારી આ ભૂમિકા ભજવવા સંપૂર્ણપણે તૈયાર છું.’
ભારતીય મૅનેજમેન્ટ શ્રેયસ ઐયર પાસેથી પણ આવા કમબૅકની આશા રાખી રહ્યું છે, પણ તેની ફિટનેસની હજી ચકાચણી થઈ રહી છે. જોકે તે સંપૂર્ણપણે ફિટ ન થઈ શકે તો પણ મૅનેજમેન્ટને હવે વધુ ચિંતા નહીં હોય, કેમ કે મિડલ ઑર્ડર માટે ઈશાન કિશન શાનદાર પર્ફોર્મન્સ દ્વારા મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે. ગ્રુપ-મૅચમાં પાકિસ્તાન સામે કિશનને પાંચમા ક્રમાંકે મોકલીને મૅનેજમેન્ટ મોટો જુગાર રમ્યું હતું, કેમ કે ટૉપ ઑર્ડરના બૅટર કિશને તેની કરીઅરમાં ક્યારેય પાંચમા ક્રમાંકે બૅટિંગ નહોતી કરી. જોકે કિશને આ તકને બન્ને હાથે ઝડપી લઈને ૮૧ બૉલમાં બે સિક્સર અને ૯ ફોર સાથે ૮૨ રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને ૬૬ રનમાં ચાર વિકેટની દયનીય હાલતમાંથી ૨૬૬ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
ટીમ મૅનેજમેન્ટ માટે હવે સૌથી ચિંતાનો વિષય રહ્યો છે અને એ છે ટર્નિંગ ટ્રૅક પર સ્પિનરો સામે ફસડાઈ પડવાનો. ભારતીય ધુરંધરો શ્રીલંકાના દુનિથ વેલેલાગે અને બંગલાદેશના સ્પિનરો સામે ખુલ્લા પડી ગયા હતા.
કુલદીપ-પેસ બોલરોની કમાલ
જોકે પેસ બોલરોના પરાક્રમને લીધે ભારતીય ટીમ ચૅમ્પિયન બનીને ઊભરી આવી છે અને આગામી વર્લ્ડ કપ માટે દરેક ટીમને સાવધ કરી દીધી છે. આજના સમયમાં ભારતીય બોલિંગ-અટૅક સર્વશ્રેષ્ઠ છે. જોકે કટ્ટર હરીફ પાકિસ્તાનના અટૅક વિશે જેટલી ચર્ચા થાય છે અને જેટલું લખાય છે એટલું મહત્ત્વ ભારતીય અટૅકને નથી મળી રહ્યું. બંગલાદેશ સામેની મૅચને બાદ કરતાં દરેક મૅચમાં, ખાસ કરીને પાકિસ્તાન સામે અને ફાઇનલમાં ભારતીય બોલરો નિર્દય બનીને હરીફો પર તૂટી પડ્યા હતા.
૨૫ રનમાં પાંચ વિકેટ સાથે કુલદીપ યાદવે પાકિસ્તાન સામેની બેસ્ટ જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. જોકે ૨૮ વર્ષના કુલદીપે આખી ટુર્નામેન્ટમાં કાંડાની કરામત વડે હરીફોને નચાવ્યા હતા એટલે જ્યારે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી લઈ રહ્યો હતો ત્યારે કોઈને નવાઈ નહોતી લાગી.
કૅપ્ટન રોહિત શર્માએ પણ કુલદીપના વાઇટબૉલ ક્રિકેટમાં પર્ફોર્મન્સનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘જ્યારે પણ કટોકટીમાં અમે કુલદીપને જવાબદારી સોંપી છે ત્યારે હંમેશાં તેણે ટીમને ઉગારી છે. જ્યારે-જ્યારે તે બોલિંગ કરતો હતો ત્યારે-ત્યારે તેનો આત્મવિશ્વાસ વધતો જતો હતો. જોવા જઈએ તો છેલ્લાં બે વર્ષથી તેનો આ આત્મવિશ્વાસ સાતત્યપૂર્વક વધી રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિમાંથી ટીમને ઉગારવા માટે તે સમર્થ છે.’
કુલદીપને લીધે આજે ભારતીય બોલિંગ-અટૅકને એક નવું ડાઇમેન્શન મળ્યું છે, તો પેસરોએ પણ તેમને ઓછા ન આંકવા વિશે સાવધ કરી દીધા છે. ભારતીય ટીમ એકાદ વર્ષ બાદ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા એકસાથે મેદાનમાં ઉતારવામાં સફળ થઈ હતી અને એનું પરિણામ પણ જોરદાર આવ્યું હતું. કમરની ઈજાને લીધે બુમરાહ ટીમમાંથી બહાર હતો. જુલાઈ ૨૦૨૨ બાદ પહેલી વાર વન-ડે રમવા ઊતર્યો હોવા છતાં નવા બૉલ સાથેના તેના પર્ફોર્મન્સમાં જરાય ઓછો નહોતો ઊતર્યો. બીજી તરફ સિરાજ ઘણી વાર બુમરાહના પડછાયામાં રહ્યો છે. સિરાજ પણ ફાઇનલમાં ૨૧ રનમાં ૬ વિકેટ સાથે તેની બોલિંગની ધાર બતાવવામાં સફળ રહ્યો હતો. ત્રીજા સીમર તરીકે હાર્દિકે પણ ખૂબ પ્રોગ્રેસ કર્યો છે અને એને લીધે જ ટીમ મૅનેજમેન્ટ બૅટિંગ લાઇન-અપ પૂરી કરવા મોહમ્મદ શમી જેવા બોલરને ટીમમાંથી બહાર રાખવાનો અઘરો નિર્ણય લઈ શકી હતી. કૅપ્ટન રોહિતે આ સંર્ભે કહ્યું હતું કે ‘અમારા બોલિંગ-આક્રમણમાં વિવિધતા છે અને કોઈ પણ પરિસ્થિતિમાં પર્ફોર્મ કરી શકે છે. જ્યારે આ બધું એક ટીમમાં તમને મળી જાય ત્યારે કૅપ્ટન તરીકે વધુ કૉન્ફિડન્ટ બની જાઓ છો.’
એશિયાનો કૉન્ફિડન્સ અપાવશે ભારતને વર્લ્ડ કપ
આ જ કૉન્ફિડન્સને લીધે ભારત રવિવારે આઠમી વાર એશિયા કપ ટ્રોફી જીતવામાં સફળ થયું હતું. જોકે એશિયા કપની ટ્રોફી ભારતીય ટીમ ત્રીજી વાર વર્લ્ડ ચૅમ્પિયન તરીકે ઊભરી આવવાની ગૅરન્ટી નથી આપતું, પણ એક સ્થિર ટીમ અને માઇન્ડ સાથે તેઓ જરૂર વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે, જે ચૅમ્પિયન બનવા માટે પ્રથમ જરૂરિયાત હોય છે.