ભારત આઠમી વાર એશિયન ચૅમ્પિયન : પેસ બોલરે ઓવરમાં ચાર વિકેટના તરખાટ સાથે લીધી કુલ ૬ વિકેટ, હાર્દિકે ત્રણ અને બુમરાહે એક વિકેટ લીધી

સિરાજ મોહમ્મદ
ભારતે ગઈ કાલે પાંચ વર્ષના ટ્રોફી-દુકાળનો અંત લાવી દીધો હતો. કોલંબોમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને એશિયા કપની વન-સાઇડેડ ફાઇનલમાં ૨૬૩ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવીને આઠમી વાર ટ્રોફી જીતી લીધી હતી. શ્રીલંકા ૧૧મી વાર ફાઇનલમાં પહોંચ્યું, પરંતુ ફરી ટ્રોફી જીતવામાં સાવ નિષ્ફળ રહ્યું.
મોહમ્મદ સિરાજ (૭-૧-૨૧-૬) ફાઇનલનો સુપરહીરો હતો. શ્રીલંકાએ બૅટિંગ લીધા પછી પહેલી જ ઓવરથી વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. બુમરાહે ઓપનર કુસાલ પરેરાની વિકેટ લીધી હતી, પણ ચોથી ઓવરના પ્રથમ બૉલથી શ્રીલંકાની પનોતી બેઠી હતી અને સિરાજે અભૂતપૂર્વ પર્ફોર્મન્સમાં ઉપરાઉપરી છ વિકેટ લીધી હતી. નિસન્કા, સદરા સમરવિક્રમા, ચરિથ અસલન્કા, ધનંજયા ડિસિલ્વા, દાસુન શનાકા અને કુસાલ મેન્ડિસ ૪થી ૧૨મી ઓવરની અંદર વિકેટ ગુમાવી બેઠા હતા. એક તબક્કે સિરાજે ઓવરમાં ચાર વિકેટનો ભારતીય વિક્રમ રચી દીધો, તેણે પહેલી પાંચ વિકેટ માત્ર ૧૬ બૉલમાં લીધી હતી. ઈજાને કારણે તે થોડી વાર માટે મેદાનની બહાર ગયો હતો અને ફિઝિયો પાસે ઇલાજ કરાવ્યો હતો. પછીથી તેણે કમબૅકમાં પણ વિકેટ લીધી હતી.
શ્રીલંકા ૧૫.૨ ઓવરમાં આઉટ
ગઈ કાલે વરસાદને કારણે મૅચ ૪૦ મિનિટ મોડી શરૂ થઈ હતી અને ત્યાર બાદ શ્રીલંકાએ બૅટિંગ લીધા બાદ ફક્ત ૧૫.૨ ઓવરમાં એની ઇનિંગ્સ ૫૦ રનમાં સમેટાઈ ગઈ હતી. પહેલા ચારેય બૅટર્સ ફક્ત ૧૦ રનની અંદર પૅવિલિયન ભેગા થઈ ગયા હતા.
ભારતના ૬.૧ ઓવરમાં ૫૧/૦
ભારતને આ એકતરફા મુકાબલામાં જીતવા ૫૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ઓપનિંગમાં ઈશાન કિશન (૨૩ અણનમ, ૧૮ બૉલ, ત્રણ ફોર)ને શુભમન ગિલ (૨૭ અણનમ, ૧૯ બૉલ, છ ફોર) સાથે મોકલવામાં આવ્યો હતો અને બન્નેએ ૬.૧ ઓવરમાં (૩૭ બૉલમાં) ભારતને ૫૧/૦ના સ્કોર સાથે વિજય અપાવ્યો હતો. સિરાજને મૅન ઑફ ધ મૅચનો અને કુલદીપ યાદવને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર અપાયો હતો.