ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનાં ક્રિકેટ બોર્ડ વચ્ચે વિમેન્સ ચૅમ્પિયન્સ લીગના કન્સેપ્ટ વિશે મંત્રણા : કમાણીના પૈસા ત્રણેય બોર્ડ વહેંચી લેશે
માર્ચમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સે પ્રથમ ડબ્લ્યુપીએલ ટાઇટલ જીતી લીધું હતું. આ ભારતીય ટુર્નામેન્ટની સફળતા પરથી પ્રેરાઈને જ હવે ડબ્લ્યુસીએલ શરૂ થશે. તસવીર આશિષ રાજે
ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ને જે જબરદસ્ત સફળતા મળી હતી એનાથી પ્રેરાઈને ભારતીય ક્રિકેટ બોર્ડ તેમ જ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનાં ક્રિકેટ બોર્ડે ભેગાં મળીને આવતા વર્ષે વિમેન્સ ચૅમ્પિયન્સ લીગ (ડબ્લ્યુસીએલ) શરૂ કરવાનું નક્કી કર્યું છે. તેમની વચ્ચે આ વિશે વાટાઘાટ ચાલે છે.
મહિલા ક્રિકેટ મૅચો જોવામાં મહિલાઓ ઉપરાંત મોટી સંખ્યામાં પુરુષોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતમાં ડબ્લ્યુપીએલ માટેના ટીવી તથા ડિજિટલ બ્રૉડકાસ્ટના વેચાણમાં ભારતીય ક્રિકેટ બોર્ડને ૯૫૧ કરોડ રૂપિયા મળ્યા હતા. લોકોના ઉત્સાહ અને જંગી આવકને ધ્યાનમાં રાખીને ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સાથે મળીને ડબ્લ્યુસીએલના કન્સેપ્ટને આગળ વધારવા મક્કમ છે. ડબ્લ્યુપીએલના તેમ જ વિમેન્સ બિગ બૅશના અને ‘ધ હન્ડ્રેડ’ સ્પર્ધાના ફ્રૅન્ચાઇઝીઓ ડબ્લ્યુસીએલ નામની નવી ટુર્નામેન્ટનો પ્લાન તૈયાર કરશે. શરૂઆતમાં વારાફરતી સ્થળોએ ડબ્લ્યુસીએલની મૅચો રખાશે અને સ્ટેડિયમની ટિકિટો તેમ જ કૉર્પોરેટ હૉસ્પિટલિટીને લગતી આવક ત્રણેય બોર્ડ સરખી વહેંચી લેશે.
મહિલા ક્રિકેટ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. આઇસીસીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે હવેથી એની તમામ વિમેન્સ ઇવેન્ટમાં ઇનામી રકમ પુરુષોની આઇસીસી ઇવેન્ટમાં અપાતી ઇનામી રકમ જેટલી જ હશે.


